News of Friday, 13th June 2025
WTCની ફાઇનલમાં અને ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશના હતભાગીઓને શ્રદ્ધાંજલી અપાઈ
બન્ને ટીમના પ્લેયર્સે પણ બે મિનિટનું મૌન પાળ્યું: હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઊતર્યા

લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શુક્રવારના ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલાં બન્ને ટીમના ખેલાડીઓએ અમદાવાદની ગુરુવારની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું અને તેઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.
બીજી તરફ, બેકનહૅમમાં બપોરે ભારતીય ટેસ્ટ ટીમની ઇન્ડિયા એ’ સામે ચાર દિવસની પ્રૅક્ટિસ-મૅચ શરૂ થઈ અને એ પહેલાં પણ બન્ને ટીમના પ્લેયર્સે પણ બે મિનિટનું મૌન પાળ્યું હતું અને પ્લેનની હોનારતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલિ આપવા તેઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઊતર્યા હતા.
ઍર ઇન્ડિયાના પૅસેન્જર પ્લેનમાં 242 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંના 241 જણનાં મૃત્યુ થયાં હતાં અને એક યુવાન બચી ગયો હતો. વિમાનના તમામ 12 કર્મચારીઓ પણ માર્યા ગયા હતા તેમ જ ઍરપોર્ટની આસપાસ મેડિકલ હૉસ્ટેલ સહિતની ઇમારતો પર વિમાન પડવાને કારણે ઘણી વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
ઑસ્ટ્રેલિયા ડબ્લ્યૂટીસીનું ટાઇટલ ડિફેન્ડ કરી રહ્યું છે, જ્યારે સાઉથ આફ્રિકાને પહેલી વાર ટેસ્ટનો આ વર્લ્ડ કપ જીતવાનો મોકો છે. બેકનહૅમમાં ઇન્ડિયા અને ઇન્ડિયાએ’ ટીમના ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફના મેમ્બર્સે પણ હાથ પર કાળી પટ્ટી પહેરી હતી.
અનેક ક્રિકેટરોએ અમદાવાદની વિમાન દુર્ઘટના વિશે ગુરુવારે શોક વ્યક્ત કર્યો હતો. સચિન તેન્ડુલકરે શોક સંદેશમાં જણાવ્યું હતું કે ` અમદાવાદમાં હૃદય કંપી જાય એવી દુર્ઘટના બની. મને એ બનાવ વિશે જાણીને ખૂબ દુઃખ થયું હતું. મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ સંકટના સમયનો સામનો કરવાની હિંમત આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું.’
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 20મી જૂને પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી શરૂ થશે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
