<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

સોમવારથી બેંગ્લોરમાં ઓલા, ઉબેર, રેપિડો બાઇક ટેક્સીઓ નહીં ચાલે: સ્ટે આપવા હાઇકોર્ટનો ઇન્કાર

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે હાલમાં આ સેવાઓને રાજ્યમાં ચલાવવાની મંજૂરી આપી શકાતી નથી.

બેંગ્લુરુ :ઓલા, ઉબેર અને રેપિડો જેવી એગ્રીગેટર કંપનીઓને મોટો ઝટકો આપતા, કર્ણાટક હાઈકોર્ટે રાજ્યમાં બાઇક ટેક્સી સેવાઓ અંગે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે હાલમાં આ સેવાઓને રાજ્યમાં ચલાવવાની મંજૂરી આપી શકાતી નથી.

શુક્રવારે આ મામલાની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ વી કામેશ્વર રાવ અને જસ્ટિસ શ્રીનિવાસ હરીશ કુમારની બે સભ્યોની બેન્ચે કહ્યું કે બાઇક ટેક્સીના પક્ષમાં કોઈ વચગાળાનો આદેશ પસાર કરવામાં આવશે નહીં. હવે આ કેસમાં આગામી અને અંતિમ સુનાવણી 24 જૂને થશે. આની સીધી અસર એ થશે કે 16 જૂનથી કર્ણાટકમાં, ખાસ કરીને બેંગલુરુમાં, કોઈ પણ બાઇક ટેક્સી સેવા કાર્યરત થઈ શકશે નહીં.

કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે બેંગલુરુમાં બાઇક ટેક્સી સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ઓલા, ઉબેર અને રેપિડો દ્વારા પડકારવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે હવે ફરીથી સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ સેવાઓને મંજૂરી આપી શકાતી નથી.

રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલ શશિકિરણ શેટ્ટીએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર બાઇક ટેક્સીને મંજૂરી આપવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે દેશના ફક્ત આઠ રાજ્યોએ બાઇક ટેક્સી સેવાઓને પરિવહન વાહનો તરીકે માન્યતા આપી છે, જ્યારે કર્ણાટક સહિત અન્ય રાજ્યોએ અત્યાર સુધી આવો કોઈ નિયમ બનાવ્યો નથી.

ઓલા, ઉબેર અને રેપિડોની પેરેન્ટ કંપનીઓ - NI ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, ઉબેર ઇન્ડિયા સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને રીઓપન ટ્રાન્સપોર્ટેશન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ - એ હાઇકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી જેમાં રાજ્ય સરકારને મોટર વાહન અધિનિયમ હેઠળ પીળા નંબર પ્લેટવાળી બાઇક ટેક્સીઓને પરિવહન વાહનો તરીકે માન્યતા આપવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

સિંગલ બેન્ચ દ્વારા આપવામાં આવેલા સસ્પેન્શનના આદેશને પડકારતા, આ કંપનીઓએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી, પરંતુ તેમને કોઈ વચગાળાની રાહત મળી ન હતી.

આ મામલો 24 જૂનના રોજ અંતિમ સુનાવણી માટે સૂચિબદ્ધ છે, જ્યારે નક્કી કરવામાં આવશે કે કર્ણાટકમાં બાઇક ટેક્સી સેવાઓને કાયદેસર રીતે મંજૂરી આપવામાં આવશે કે નહીં. ત્યાં સુધી રાજ્યમાં બધી બાઇક ટેક્સી સેવાઓ બંધ રહેશે.

(8:14 PM IST)