News of Saturday, 14th June 2025
રાજા રઘુવંશી જેવો કાંડ થતાં અટક્યો : ખુદ સાસુએ બચાવ્યો જમાઈનો જીવ:પુત્રી અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પાંચ દિવસ બાદ જ પરિણીતા કોઈને કહ્યા વિના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ: પરિણીતા અચાનક પોતાના પ્રેમી તેમજ અન્ય સાગરિતો સાથે સાસરીમાં પહોંચી જ્યાં તેણે ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને અને દીયરોને પણ બેરહેમીથી ફટકાર્યા

ઈન્દોરની સોનમ રઘુવંશીએ હનીમૂન માટે શિલોંગ પહોંચીને પોતાના પતિની ઘાતકી હત્યા કરી નાંખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારનાર સોનમ વિરુદ્ધ સમાજમાં થું-થું થઈ રહી છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ઉત્તર પ્રદેશમાં થતા-થતા રહી ગયો છે. જેમાં એક મહિલાએ પોતાની દીકરી અને તેના પ્રેમી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેરઠ જિલ્લાના સરધના વિસ્તારમાં રહેતી એક મહિલાની દીકરીના લગ્ન આજથી 12 વર્ષ પહેલા જ શામલી જિલ્લાના એક ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. આ લગ્નજીવન થકી તેને બે સંતાનો પણ છે.
જો કે લગ્નના થોડા સમય બાદ પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. જેની તપાસ કરતાં જાણવા મળ્યું કે, પત્નીને પાડોશમાં રહેતા અન્ય યુવક સાથે પ્રેમસબંધ ચાલી રહ્યો છે. આથી પતિએ આ મામલે પોતાની સાસરીમાં પણ જાણ કરી હતી. જેથી થોડા દિવસ પહેલા જ પત્નીને તેના પિયર લઈ જવામાં આવી હતી. જો કે પાંચ દિવસ બાદ જ પરિણીતા કોઈને કહ્યા વિના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી.
ગત બુધવારે પરિણીતા અચાનક પોતાના પ્રેમી તેમજ અન્ય સાગરિતો સાથે પોતાની સાસરીમાં પહોંચી ગઈ હતી. જ્યાં તેણે ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને અને દીયરોને પણ બેરહેમીથી ફટકાર્યા હતા.
આ બાબતની જાણ ફરિયાદી મહિલાને થતાં તે તાત્કાલિક પોતાના સબંધીઓ સાથે ચૌસાના પોલીસ મથકે પહોંચી ગઈ હતી. જ્યાં તેણે પોલીસને સ્પષ્ટ કહ્યું હતું કે, જેની રીતે રાજા રઘુવંશીની હત્યા થઈ હતી, તેવી જ રીતે તેની દીકરી પોતાના પતિની હત્યાનું કાવતરૂં ઘડી રહી છે. આથી તાત્કાલિક કોઈ પગલાં લો. હાલ તો પોલીસ અધિકારીઓએ મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
