<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ, રાજૌરીમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવાયો: પૂંછમાં જબ્બર ઑપરેશન

૩ જુલાઈથી શરૂ થતી અને ૯ ઑગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન સાથે સમાપ્ત થતી અમરનાથ યાત્રાની લોખંડી સુરક્ષા માટે વધારાની સી.એ.પી.એફ. કંપનીઓની તૈનાતી: અસાધારણ સતર્કતા હાથ ધરાઈ

જમ્મુ: પાકિસ્તાન તરફથી સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના પ્રયાસો સામે ભારતીય સુરક્ષા દળો સતર્ક છે. રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલ.ઓ.સી.) પર ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ ભારતીય સેનાના જવાનો દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઘટના 'ઑપરેશન સિંદૂર' બાદ ઘૂસણખોરીનો પહેલો આવો દુસ્સાહસિક પ્રયાસ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કેરી સેક્ટરમાં મોડી રાત્રે એલ.ઓ.સી. પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ઘૂસણખોરીની આશંકાને ધ્યાનમાં રાખીને જવાનોએ આસપાસની ચોકીઓ પર પણ એલર્ટ જાહેર કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓનું એક જૂથ એલ.ઓ.સી. પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ભારતીય જવાનોએ તેમને પડકાર્યા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાએ પણ તેનો સણસણતો જવાબ આપ્યો, જેના કારણે આતંકવાદીઓ પાછા ભાગી ગયા. આ ઘટના બાદ એલ.ઓ.સી. પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મોટા પાયે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજૌરીના બારાતગાલા વિસ્તારમાં પણ શંકાસ્પદ હિલચાલને પગલે સેના દ્વારા તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે સરહદી પૂંછ જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સૌજિયાન અને તેની આસપાસના વિસ્તારોમાં આઠ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા આ દરોડા આતંકવાદી માળખાને નષ્ટ કરવા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ દ્વારા ભોળા યુવાનોને વિધ્વંસક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાના ભાગરૂપે પાડવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પણ પોલીસે સરહદી વિસ્તારોમાં પંચાવનથી વધુ સ્થળોએ આવા જ દરોડા પાડ્યા હતા, જેમાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓ.જી.ડબ્લ્યુ.) ને નિશાન બનાવવામાં આવ્યા હતા.

અધિકારીઓએ ઉમેર્યું કે સુરક્ષા દળો આતંકવાદીઓ, તેમના ઓ.જી.ડબ્લ્યુ.એસ અને તેમના સહાનુભૂતિ ધરાવતા લોકો સામે આક્રમક રીતે ઑપરેશન ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વારંવાર સુરક્ષા દળોને આતંકવાદના ઇકોસિસ્ટમને નષ્ટ કરવાની સલાહ આપી છે જેથી કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે. આતંકવાદીઓને નિશાન બનાવવાની સાથે, નશાની તસ્કરી અને હવાલા દ્વારા થતા ભંડોળને પણ સુરક્ષા દળો નિશાન બનાવી રહ્યા છે, કારણ કે ગુપ્તચર એજન્સીઓ માને છે કે આતંકવાદને ટકાવી રાખવા માટે આ ભંડોળનો ઉપયોગ થાય છે.

આ વર્ષે ૩ જુલાઈથી શરૂ થતી અને ૯ ઑગસ્ટે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન સાથે સમાપ્ત થતી અમરનાથ યાત્રાને સુરક્ષિત કરવા માટે સુરક્ષા દળો દ્વારા વધારાની સી.એ.પી.એફ. કંપનીઓની તૈનાતી સાથે અસાધારણ સતર્કતા જાળવવામાં આવી રહી છે.

 

(10:21 PM IST)