<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : DNA મેચનો આંક 80 પર પહોંચ્યો : 33 મૃતદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સુપરત કરાયા!

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે રાત્રે 10:15 કલાકે મીડિયાને માહિતી આપી : બાકીના મૃતદેહો સોંપવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓની ઓળખ અને મૃતદેહ સુપરત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે આજે રાત્રે 10:15 કલાકે યોજેલી મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું કે, DNA સેમ્પલ મેચનો કુલ આંકડો હવે 80 પર પહોંચી ગયો છે. આ પૈકી, 33 મૃતદેહો સંબંધિત પરિવારજનોને અત્યાર સુધીમાં સન્માનપૂર્વક સુપરત કરવામાં આવ્યા છે.
ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, જે 80 DNA સેમ્પલ મેચ થયા છે તેમાંથી 33 વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારજનોને સુપરત કરાયા છે. અન્ય 2 વ્યક્તિના પરિવારજનો આજે રાત્રે મૃતદેહ સ્વીકારવા આવશે, જ્યારે 13 વ્યક્તિના પરિવારજનો આવતીકાલે મૃતદેહ સ્વીકારવા માટે આવશે. 21 વ્યક્તિના પરિવારજનોએ પરિવારમાં પરામર્શ (ચર્ચા-વિચારણા) કર્યા બાદ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.
બાકીના મૃતદેહો અને રાજ્ય સરકારની કાર્યવાહી:
બાકીના 11 વ્યક્તિના કિસ્સામાં, તેમના પરિવારના અન્ય સભ્યો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી, અન્ય વ્યક્તિઓના DNA સેમ્પલ મેચ થયા બાદ જ પાર્થિવ દેહ સ્વીકારવામાં આવશે.
અત્યાર સુધીમાં જે મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે તેમાં અમદાવાદના 12, વડોદરાના 5, ખેડાના 2, બોટાદના 1, ઉદયપુરના 1, મહેસાણાના 4, જોધપુરના 1, અરવલ્લીના 1, આણંદના 4 અને ભરૂચના 2 વ્યક્તિના પાર્થિવ દેહનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું AI171 વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા મૃતકોની ઓળખ અને મૃતદેહ સુપરત કરવાની કામગીરી અત્યંત સંવેદનશીલતા અને ઝડપથી હાથ ધરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, એક પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય અને પરામર્શ પૂરી પાડી રહ્યા છે. આ વ્યવસ્થા દ્વારા સરકારે દુર્ઘટનાગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાનો માનવતાવાદી અભિગમ દર્શાવ્યો છે.

 

(11:06 PM IST)