News of Monday, 16th June 2025
મુંબઈના ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે અચાનક રોડપર ગાબડું પડતા ચાલતી બસનું પૈડું ફસાઈ ગયું !
બેસ્ટ બસના પૈડા ખાડામાં ભરાઈ ગયા: બસ પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ :તમામ મુસાફરો અને ડ્રાઈવર હેમખેમ

મુંબઈના ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે બાબાસાહેબ જયકર માર્ગનોં અમુક ભાગ ધસી ગયો હતો. જેથી બેસ્ટ બસનો એક્સિડન્ટ થયો છે. રસ્તો ધસી પડવાને કારણે બેસ્ટ બસ પાંચ ફૂટ ખાડામાં ખાબકી ગઈ હતી. એક્સિડન્ટ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે
કોલાબા-બાંદ્રા સીપ્ઝમાં ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ધસી ગયો હતો. જેના કારણે બેસ્ટ બસના પૈડા ખાડામાં ભરાઈ ગયા હતા. જેને લીધે બસ પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ છે. આજે વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. સૌથી અગત્યની અને ધરપત આપનારી બાબત તો એ છે કે આ દુર્ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરો અને ડ્રાઈવર હેમખેમ છે. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.
આજે સવારે જે જગ્યા પર આ બનાવ બન્યો છે ત્યાં કામ ચાલી રહ્યું છે. આવનાર થોડાક જ મહિનામાં જાહેર ઉપયોગ માટે તે મેટ્રો ખૂલવાની અપેક્ષા પણ સેવાઇ રહી છે. રોડ ક્ષસી પડતાં જ બેસ્ટ બસ ખાડામાં ફસાઈ ગઈ છે તેનો વીડિયો પણ વાયરલ થયો છે.
સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે કે આજે જ્યાં રસ્તો ધસીપડ્યો છે તે સ્થાને ગયા વર્ષે મેટ્રોના કામ માટે એક ભારે ક્રેન મૂકવામાં આવ્યું હતું. જ્યારે તે ક્રેન રસ્તા પર પડી ગયું હતું ત્યારે પણ ત્રણ દિવસ સુધી આ રસ્તો બ્લૉક કરી નાખવામાં આવ્યો હતો. અને હવે આજે તે જ જગ્યા પર રોડ ધસી જવાને કારણે બેસ્ટ બસ ખાડામાં પડી ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર બસ ખાનગી કોન્ટ્રાક્ટર મેસર્સ ટાટાની હોવાથી સંબંધિત કંપનીના અધિકારીઓને રોડ ધસી ગયા બાદ થયેલા ખાડામાંથી બસને બહાર કાઢવાની કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવા અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે. બીએમસી કંટ્રોલ રૂમે આ બનાવ અંગે કહ્યું છે કે હાલમાં અધિકારીઓ ત્યાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા હોવાથી વધુ વિગતો ટૂંક જ સમયમાં આવશે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
