<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અશ્રુભીની આંખે લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકીય સન્માન સાથે વિદાય : અમદાવાદમાં ગાર્ડ ઑફ ઓનર આપી પાર્થિવ દેહ પરિવારને સુપરત કરાયો : રાજ્ય શોકમગ્ન!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અપાઈ : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

 

 

અમદાવાદ, 16 જૂન 2025: 12 જૂનના રોજ થયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. આજે, આ શોકપૂર્ણ માહોલ વચ્ચે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઑફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ, તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન અને રાજકીય પ્રોટોકોલ અનુસાર સુપરત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ગૌરવપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકારે વિજયભાઈ રૂપાણીના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં તેમની નૈતિકતા અને કરુણા, તેમજ લોકહિતનાં તેમના અસંખ્ય કાર્યોને સ્મરણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ શોકપૂર્ણ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત અનેક રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા તેમના વતન રાજકોટ ખાતે યોજાનાર છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો તેમને અંતિમ વિદાય આપવા ઉમટી પડશે. તેમનું નિધન રાજ્ય માટે એક અપુરણીય ક્ષતિ છે, અને તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

(1:30 PM IST)