News of Monday, 16th June 2025
દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં 10થી વધુ લોકોના મોત :સક્રિય કેસોની સંખ્યા 7264 પર પહોંચી
કેરળમાં સૌથી વધુ 7 મોત :દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 1-1 મૃત્યુ નોંધાયા

નવી દિલ્હી :દેશમાં ફરી એકવાર ચિંતાનો વિષય બનેલા કોવિડ-19 ની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 10 થી વધુ લોકોના મોત નોંધાયા છે, જ્યારે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 7264 પર પહોંચી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે કોવિડનો ખતરો હજુ ટળ્યો નથી, અને આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 11 દર્દીઓના કરૂણ મોત થયા છે. આ 11 મૃત્યુમાં કેરળમાં સૌથી વધુ 7 મોત નોંધાયા છે, જ્યારે દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 1-1 મૃત્યુ નોંધાયા છે. દેશભરમાં હાલ 7264 કોવિડ-19 એક્ટિવ કેસ છે. આ કેસોમાં કેરળ 1920 કેસ સાથે મોખરે છે, ત્યારબાદ ગુજરાતમાં 1433 કેસ અને પશ્ચિમ બંગાળમાં 747 કેસ સક્રિય છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવો કેસ નોંધાયો નથી, જ્યારે 119 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
કોવિડ-19 ની વર્તમાન લહેરમાં કેટલાક ગંભીર કેસ પણ સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં 27 વર્ષીય મહિલાનું બાળકને જન્મ આપ્યાના માત્ર એક દિવસ બાદ કોવિડથી મોત થયું છે. મહારાષ્ટ્રમાં પણ 47 વર્ષીય એક દર્દીનું મોત થયું છે અને રાજ્યમાં 40 નવા કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 97 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં કેરળમાં સૌથી વધુ 28 મૃત્યુનો સમાવેશ થાય છે. આ કેસોમાં વધારો થવા પાછળ નવા વેરિઅન્ટ્સ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 જવાબદાર હોવાનું મનાય છે, જે વધુ ચેપી અને કેટલાક કિસ્સાઓમાં ગંભીર સાબિત થઈ રહ્યા છે.
કોવિડ-19 ના નવા વેરિઅન્ટ્સ અને વધતા કેસોએ ફરી એકવાર દેશમાં ચિંતા ઊભી કરી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવાનું સુચન કરવામાં આવી રહ્યું છે, ઉત્તર પ્રદેશમાં હોસ્પિટલોને દવા, PPE કિટ્સ, ઓક્સિજન અને ICU તૈયાર રાખવા સૂચના આપી દેવાઈ છે. કેરળમાં માસ્ક અને ટેસ્ટિંગ ફરજિયાત છે. કર્ણાટકમાં ગુલબર્ગામાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
કોવિડ-19ના નવા વેરિઅન્ટ્સ અને વધતા કેસે દેશને સતર્ક કર્યો છે. નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા અને ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે અને જો કોવિડના કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
