<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન : રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય : પુત્ર ઋષભે આપ્યો અગ્નિદાહ : જુઓ વિડીયો

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન બાદ આજે રાજકોટમાં શોકમગ્ન માહોલ વચ્ચે લાખો લોકો અને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ યાત્રા સંપન્ન : રાજકોટવાસીઓએ રડતી આંખે વિદાય આપી

રાજકોટ : રાત્રિ 11:00 વાગ્યા: ગુજરાતના રાજકારણમાં એક અગ્રણી નામ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન સાથે પંચમહાભૂતમાં વિલીન થયા છે. અમદાવાદ ખાતે 12 જૂને થયેલા કરૂણ વિમાન દુર્ઘટનામાં તેમનું દુખદ નિધન થયું હતું, અને આજે તેમના વતન રાજકોટમાં શોકમગ્ન વાતાવરણ વચ્ચે તેમની અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી. તેમના પુત્ર ઋષભ રૂપાણીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો, ત્યારે હજારો રાજકોટવાસીઓએ રડતી આંખે પોતાના પ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી.

અંતિમ યાત્રામાં દિગ્ગજ નેતાઓ અને જનસાગર ઉમટ્યો:
વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનથી નીકળેલી અંતિમ યાત્રામાં વિશાળ જનસાગર ઉમટી પડ્યો હતો. રાજકોટના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, જે શ્રી રૂપાણી પ્રત્યેના પ્રેમ અને આદરને પ્રદર્શિત કરતો હતો. આ શોકપૂર્ણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. તેમણે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી.

અમદાવાદ પ્લેન દુર્ઘટના અને પાર્થિવ દેહની રાજકોટ યાત્રા:
નોંધનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 12 જૂનના રોજ પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે થયેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 241 વિમાન મુસાફરો સહિત 278 લોકોના કરુણ નિધન થયા હતા. ગઈકાલે મોડી રાત્રે DNA સેમ્પલ મેચ થયા બાદ, આજે સવારે 11:30 વાગ્યે વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ, એક ચાર્ટર્ડ વિમાન દ્વારા તેમનો પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેમની અંતિમ યાત્રા શરૂ થઈ હતી.

રાજકોટના નાગરિકોએ પોતાના લોકપ્રિય નેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી રૂપાણીના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો હોવાની લાગણી વ્યાપકપણે વ્યક્ત થઈ રહી છે. તેમના સાલસ સ્વભાવ, સરળ વ્યક્તિત્વ અને રાજકીય યોગદાનને સૌ કોઈએ યાદ કર્યું હતું.

 

(11:09 PM IST)