News of Tuesday, 17th June 2025
બોટાદ-ભાવનગર-અમરેલી જીલ્લામાં બોણીમાં મેઘરાજાનું તોફાની બેટીંગ : ૪ થી ૧પ ઇંચ
ગઢડા-૧પ, શિહોર-પાલીતાણા-૧ર, બોટાદ-જેશર-ઉમરાળામાં ૧૧, સાવરકુંડલા-૧૦, મહુવા-૯, રાજુલા-૮, અમરેલી-લીલીયા-૭, ચોટીલા-તળાજા-ગારીયાધાર-વિંછીયામાં ૬ ઇંચ : મોરબી-રાજકોટ-જુનાગઢ જીલ્લામાં મેઘરાજાના મંડાણ : હળવો-ભારે વરસાદ વરસ્યોઃ કચ્છમાં ૧ થી ૪ ઇંચ વરસાદ પડયો: જસદણ-સાયલા-ટંકારા-ચુડા-થાનગઢ-મુળી-જુનાગઢમાં ૪ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી: નદીઓમાં ઘોડાપુર-રસ્તાઓ ડાઇવર્ટ-મકાનો ધરાશાયી : મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા

રાજકોટ, તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ચોમાસુ જામતુ હોય તેવા માહોલ સાથે વરસાદ વરસી રહયો છે. ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં ભાવનગર, બોટાદ, અમરેલી જીલ્લામાં ચોમાસાની બોણીમાં જ મેધરાજાએ સટાસટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. સૌથી વધુ વરસાદ બોટાદ જીલ્લાના ગઢડામાં ૧પ ઇંચ બોટાદ શહેરમાં ૧૧ ઇંચ, ભાવનગરના શિહોર અને પાલીતાણામાં ૧ર ઇંચ, અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં ૧૦ ઇંચ, ભાવનગરના મહુવામાં ૯ ઇંચ, અમરેલીના રાજુલામાં ૮ ઇંચ, અમરેલી અને લીલીયામાં ૭ ચોટીલા-તળાજા-ગારીયાધાર-વિંછીયામાં ૬ ઇંચ વરસાદ પડયો છે.
જયારે જસદણ, સાયલા, ટંકારા, ચુડા, થાનગઢ, મુળી, જુનાગઢમાં ૪ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે.
મોરબી-રાજકોટ, જુનાગઢ જીલ્લામાં મેધરાજાના મંડાણ થતા હળવો-ભારે વરસાદ વરસ્યો છે. જયારે કચ્છમાં ૧ થી ૪ ઇંચ સુધી વરસાદ પડયો છે.
સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે હળવો, ભારે વરસાદ વરસી રહયો છે.
ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને રસ્તાઓ બંધ થઇ ગયા છે અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે જુદી-જુદી જગ્યાએ કાચા મકાનો પડી ગયા છે. જાનહાની થઇ નથી. પ્રથમ વરસાદે જ ભુકકા બોલી ગયા છે.
જસદણ
જસદણઃ જસદણ પંથકમાં ગઈકાલે સાંજે મેઘ સવારી આવી પહોંચતા શહેર અને તાલુકામાં વહેલી સવાર સુધીમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જસદણ શહેર ઉપરાંત તાલુકાના લીલાપુર, ગઢડીયા, શિવરાજપુર, બાખલવડ, કમળાપુર, કડુકા, કનેસરા, ગોખલાણા, આટકોટ, વીરનગર, જીવાપર, પારેવાળા, ગઢડીયા સહિતના ગામડાઓમાં આખી રાત દરમિયાન ઝરમર થી લઈને ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણ શહેરમાં આખી રાત દરમિયાન વરસાદ પડતા વહેલી સવાર સુધીમાં ૧૦૩ એમએમ એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આખી રાત વરસાદ પડતા જસદણ શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા ભાદર નદી બે કાંઠે થઈ હતી. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાણી છે. વરસાદને પગલે જસદણ શહેરના ચિતલીયા રોડ, નવા બસ સ્ટેશન વિસ્તાર, ડીએસવીકે હાઈસ્કૂલ રોડ, લાતિ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
