હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જય જિનેન્દ્ર... જબ તક સુરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા...
વિજયભાઈની અંતિમયાત્રામાં આકાશમાંથી જળવર્ષા અને આંખોમાંથી અશ્રુવર્ષાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા : અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વજુભાઈ વાળા, ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર.પાટીલ, પુરષોત્તમભાઈ રૂપાલા, નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિઃ હજારોની સંખ્યામાં લોકો સ્મશાનયાત્રામાં જોડાયાઃ ઋષભ રૂપાણીએ મુખાગ્નિ આપી : પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

વિજયભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરતા અમિતભાઈઃ પરિવારને સાંત્વના આપી : રાજકોટઃ દેશના ગળહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ તેમના સાથીદાર મિત્ર સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહેલા નજરે પડે છે. અંજલીબેન, ઋષભ અને પરિવારને તેમને સાંત્વના આપી હતી. તસ્વીરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, નીતિનભાઈ ભારદ્વાજ, નેહલ શુક્લ વિ.નજરે પડે છે.(તસવીરઃ અશોક બગથરીયા) (૪૦.૧૩)
રાજકોટઃ વિજયભાઈ રૂપાણી અનંતની સફરે.... ગઈકાલે પાર્થિવદેહને રૂપાણી પરિવારને સોંપવામાં આવ્યા બાદ સરકાર દ્વારા માનભેર વિદાય આપવામાં આવી હતી. ગાંધીનગરથી ચાર્ટડ પ્લેન મારફત પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી શ્રધ્ધાંજલી યાત્રા નીકળી હતી. જેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવેલ. બાદ અંતિમયાત્રામાં આકાશમાંથી જળવર્ષા અને આંખોમાંથી અશ્રુવર્ષાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જબતક સુરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, વિજયભાઈ અમર રહો.. જેવા નારા સતત ગુંજતા હતા. વિજયભાઈના પાર્થિવદેહને પુત્ર ઋષભ રૂપાણી દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીથી અંતિમયાત્રા નિકળી હતી. જે નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર, રાજશ્રી ટોકીઝ રોડ થઈ રામનાથપરા સ્મશાન અંતિમયાત્રા પહોંચી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. વરસાદ પણ સતત વરસતો હતો. એકધારા વરસાદમાં પણ અસંખ્ય લોકો જોડાયા હતા. માર્ગો ઉપર લોકો દ્વારા શ્રધ્ધાંજલી પણ આપવામાં આવતી હતી. ‘વિજયભાઈ અમર રહો'નો નાદ સતત ગુંજતો હતો. અંતિમયાત્રા માટે ખાસ ફૂલોથી વાહનને સજાવવામાં આવેલ.
જ્યારે અંતિમયાત્રા રામનાથપરા સ્મશાન ખાતે પહોંચી ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયભાઈના પુત્ર ઋષભે મુખાગ્નિ આપી હતી.
દરમિયાન આજે બપોરે ૩ થી ૬ રેસકોર્ષના મેદાનમાં પ્રાર્થનાસભા રાખવામાં આવેલ છે.(૪૦.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
