News of Wednesday, 18th June 2025
છ દિવસમાં ૮૩ ફલાઇટ્સ રદઃ બોઇંગ ૭૮૭ પર સૌથી મોટી અસર
એર ઇન્ડિયા કટોકટી : એર ઇન્ડિયા આ દિવસોમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેની ફલાઇટ્સ સતત રદ કરવામાં આવી રહી છે

નવી દિલ્હી,તા.૧૮: છેલ્લા અઠવાડિયામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં મોટા પાયે વિક્ષેપો જોવા મળ્યા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અનુસાર, ૧૨ જૂનથી ૧૭ જૂન, ૨૦૨૫ દરમિયાન કુલ ૮૩ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાંથી સૌથી વધુ અસર બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનને થઈ હતી. આ ૮૩ ફ્લાઇટ્સમાંથી ૬૬ ફ્લાઇટ્સ બોઇંગ ૭૮૭ વિમાન દ્વારા ચલાવવાની હતી.
DGCA દેખરેખ રાખી રહ્યું છે
DGCA એ જણાવ્યું હતું કે અમદાવાદમાં તાજેતરમાં બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના પછી, સલામતીની ચિંતાઓને કારણે એર ઇન્ડિયાના બોઇંગ ૭૮૭ કાફલાનું સઘન નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તપાસમા કોઈ ગંભીર સલામતી ખામીઓ જોવા મળી નથી અને વિમાનની જાળવણી પ્રણાલી વર્તમાન સલામતી ધોરણો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે.
બોઇંગ ૭૮૭-૮ અને ૭૮૭-૯ મોડેલના કુલ ૩૩ વિમાન
એર ઇન્ડિયા પાસે બોઇંગ ૭૮૭-૮ અને ૭૮૭-૯ મોડેલના કુલ ૩૩ વિમાન છે. અકસ્માત બાદ, સાવચેતી રૂપે આ વિમાનોના સંચાલન અંગે વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે, જેના કારણે ફ્લાઇટ્સમાં વિક્ષેપ પડ્યો છે.
૧૭ જૂને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ
૧૭ જૂને, એર ઇન્ડિયાએ એક જ દિવસમાં સાત મોટી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી, જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમળતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન અને મુંબઈ-સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ થાય છે.
છ દિવસમાં ૮૩ એર ઇન્ડિયા ફ્લાઇટ રદ
ફ્લાઇટ્સ રદ ૧૨-જૂન ૬, ૧૩-જૂન ૨૨, ૧૪-જૂન ૧૨, ૧૫-જૂન ૧૬ , ૧૬-જૂન ૧૧, ૧૭-જૂન ૧૬
બોઇંગ ૭૮૭ વિમાનમાં કોઈ મોટી ખામી જોવા મળી નથી ડીજીસીએએ ખાતરી આપી છે કે મોનિટરિંગ દરમિયાન કોઈ મોટી ટેકનિકલ કે સુરક્ષા ખામીઓ મળી નથી, પરંતુ એર ઇન્ડિયા અને વહીવટીતંત્ર બંને મુસાફરોને થઈ રહેલી અસુવિધા અંગે ચિંતિત છે. હાલમાં, કંપની તેના ફ્લાઇટ શેડ્યૂલને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે. (૪૦.૨૧)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
