News of Friday, 20th June 2025
હું ૧૦૦થી વધુ બાળકોનો પિતા, તેમને $13.9 અબજની સંપત્તિ વારસામાં આપીશ
મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરાવનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી,તા.૨૦: વિશ્વના સૌથી લોક-યિ મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક અને સીઇઓ પાવેલ ડુરોવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેઓ ૧૦૦થી વધુ બાળકોના પિતા છે અને તેમની ૧૩.૯ અબજ ડોલરની સમગ્ર સંપત્તિ આ બાળકોને સરખા ભાગે વારસામાં આપશે. ફ્રાન્સના લી પોઇન્ટ મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ૪૦ વર્ષના ટેકનોલોજી ઉદ્યોગપતિ ડુરોવે પોતાની આવી બિનપરંરાગત વારસા યોજનાનો ખુલાસો કર્યો હતો.
સમગ્ર વિશ્વમાં એક રહસ્યમય વ્યક્તિત્વ માટે જાણીતા ડુરોવે જણાવ્યું હતું કે તેઓ ત્રણ અલગ-અલગ ભાગીદારો સાથે છ બાળકોના જૈવિક પિતા છે. જોકે તેમનો વારસો તેનાથી ઘણો આગળ વધે છે. છેલ્લા પંદર વર્ષથી આ અબજોપતિ શુક્રાણુઓનું દાન કરી રહ્યાં છે, જેના પરિણામે ૧૦૦થી વધુ બાળકોનો ગર્ભધારણ થયો છે.
ડુરોવે જણાવ્યું હતું કે હું મારા બાળકોમાં કોઈ ભેદભાવ રાખતો નથી. કેટલાક કુદરતી રીતે ગર્ભધારણથી જન્મ્યા છે અને કેટલાંક મારા શુક્રાણુ દાનથી જન્મ્યા છે. તે તમામ મારા બાળકો છે અને બધાને સમાન અધિકારો હશે. પરંતુ બાળકોને આગામી ૩૦ વર્ષ સુધી તેમની સંપત્તિના ઉપયોગનો હક મળશે નહીં. મેં તાજેતરમાં જ મારું વસિયતનામું લખ્યું હતું. મેં નક્કી કર્યું છે કે મારા બાળકોને આજથી શરૂ કરી ત્રીસ વર્ષનો સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી સંપત્તિ મળશે નહીં.
ડુરોવ માત્ર ટેલિગ્રામને કારણે જ નહીં, પરંતુ પોતાની વિચિત્ર જીવનશૈલીને કારણે ટેકનોલોજી જગતમાં જાણીતું નામ બન્યો છે. ડુરોવ ટેલિગ્રામ પર તેમના ૧.૧ કરોડ ફોલોઅર્સ સાથે વારંવાર વાતચીત કરવા માટે જાણીતા છે. આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમની દૈનિક દિનચર્યામાં ૩૦૦ પુશ-અપ્સ અને ૩૦૦ સ્ક્વોટ્સનો સમાવેશ થાય છે. દારૂ, કોફી અને ચાથી દૂર રહે છે.
ટેકનોલોજી ઇનોવેશન માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવતા ડુરોવ કાનૂની પડકારોનો પણ સામનો કરી રહ્યાં છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ગયા વર્ષે ફ્રેન્ચ અધિકારીઓએ ટેલિગ્રામ પ્લેટફોર્મ પર કરવામાં આવેતાં ગુનાઓને સક્ષમ બનાવવાનો તેના પર આરોપ મૂકયો છે. ડુરોવે તમામ આરોપોને નકારી કાઢયા છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
