<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખાનપુરના એક જ પરિવારના 4 લોકોના મોત: ઘેરો શોક

તસ્કીન સૈયદ,ઇનાયત અલી ,નફીસા બાનુ , વકી સૈયદનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ: ખાનપુરમાંથી 4 મૃતકોના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખાનપુરના 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખાનપુરના તસ્કીન સૈયદ, ઇનાયત અલી, નફીસા બાનુ, વકી સૈયદના મોત થયા છે. ખાનપુરમાં મૃતકોનો જનાજો નિકળ્યો હતો. જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી હતી.

  12 જૂનના રોજ, 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 વિમાન અમદાવાદની મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા, અને જમીન પર રહેલા લગભગ 29લોકો માર્યા ગયા હતા. આ વિમાન દુર્ઘટનામાં અમદાવાદના ખાનપુરના રહેવાસી ડોક્ટર પરિવારના 4 લોકોના મોત થયા છે. મૃતકોની વિગત મુજબ,  તસ્કીન સૈયદ,ઇનાયત અલી ,નફીસા બાનુ , વકી સૈયદનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. ખાનપુરમાંથી આજે 4 મૃતકોનો જનાજો નિકળ્યો હતો. જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 297 લોકોના મોત બાદ, DGCA એ એર ઇન્ડિયાને ત્રણ બેદરકાર અધિકારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ટેકઓફ થયાના થોડીક સેકન્ડ પછી ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. જે ઇમારત સાથે વિમાન અથડાયું હતું ત્યાં હાજર ઘણા લોકોનું પણ મોત થયું હતું. એર ઇન્ડિયાએ પોતે માહિતી આપીને ત્રણેય અધિકારીઓની બેદરકારીનો ખુલાસો કર્યો હતો. આ પછી, DGCA એ ત્રણેયને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. ત્રણેય વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર બેદરકારીનું પુનરાવર્તન કરવાનો આરોપ છે અને તેમની સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

 

એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અધિકારીઓએ પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. વિમાનમાં ફરજ પર મૂકતા પહેલા તમામ ક્રૂ સભ્યોના લાયસન્સની તપાસ કરવામાં આવે છે, પરંતુ આ કરવામાં આવ્યું ન હતું. મુસાફરોના આરામ અને તાજગી માટે જરૂરી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા દરમિયાન બેદરકારી બહાર આવી હતી. એરલાઇન્સ એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એક સંકલિત સિસ્ટમ છે, જેનો ઉપયોગ એરલાઇન્સ ક્રૂ મેનેજમેન્ટ માટે કરે છે.

DGCA એ 20 જૂનના રોજ એક આદેશ જારી કરીને કહ્યું હતું કે, "સ્વૈચ્છિક ખુલાસાઓ ક્રૂ શેડ્યુલિંગ, દેખરેખ અને આંતરિક જવાબદારીમાં નિષ્ફળતાઓ તરફ ઈશારો કરે છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે આ ખામીઓ માટે સીધા જવાબદાર મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો અભાવ છે." DGCA એ ત્રણ અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુરા સિંહ, ડિરેક્ટોરેટ ઓફ ક્રૂ શેડ્યુલિંગ ઓપરેશન્સમાં ચીફ મેનેજર પિંકી મિત્તલ અને ક્રૂ શેડ્યુલિંગ પ્લાનિંગ વિભાગના પાયલ અરોરાને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(7:26 PM IST)