<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : અત્યાર સુધીમાં ૨૪૭ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા : ૨૩૨ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આપી વિગતો : ૧૫ પરિવારોને ઝડપથી પાર્થિવ દેહ સોંપવા વહીવટી તંત્ર સક્રિય : મૃતકોમાં ભારતીય, પોર્ટુગીઝ, બ્રિટિશ અને કેનેડિયન નાગરિકોનો સમાવેશ

અમદાવાદ : અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટના બાદ રાહત અને ઓળખ પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે સાંજે ૬ વાગ્યે યોજાયેલી મીડિયા બ્રીફિંગમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ ૨૪૭ મૃતકોના ડીએનએ સેમ્પલ સફળતાપૂર્વક મેચ થઈ ગયા છે. આમાંથી, ૨૩૨ મૃતદેહોને તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે.
ડો. જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, બાકી રહેલા ૧૫ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતત સંપર્કમાં છે અને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કાર્યરત છે.
મૃતકોની રાષ્ટ્રીયતાવાર વિગતો:
ડો. રાકેશ જોશીએ મૃતકોની રાષ્ટ્રીયતા અંગે પણ માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, ૨૪૭ મૃતકોમાં ૧૭૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના નાગરિક, ૫૨ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન નાગરિક તેમજ ૧૨ નોન-પેસેન્જર (વિમાનમાં સવાર ન હોય તેવા) વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
પાર્થિવ દેહોના વિતરણની વિગતો:
ડો. જોશીએ એમ પણ જણાવ્યું કે, ૨૦૯ પાર્થિવ દેહોને સડક માર્ગે અને ૨૩ પાર્થિવ દેહોને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા છે. તેમણે જિલ્લાવાર અને સ્થળવાર સોંપવામાં આવેલા મૃતદેહોની વિગતો પણ આપી હતી, જે મુજબ:
 * ગુજરાત: અમદાવાદ (૬૬), વડોદરા (૨૨), આણંદ (૨૬), ખેડા (૧૧), સુરત (૧૨), મહેસાણા (૭), ભરૂચ (૭), ગાંધીનગર (૭), દીવ (૧૪), પાલનપુર (૧), બોટાદ (૧), અરવલ્લી (૨), જુનાગઢ (૧), અમરેલી (૨), ગીર સોમનાથ (૫), મહિસાગર (૧), ભાવનગર (૧), રાજકોટ (૩), જામનગર (૨), પાટણ (૨), દ્વારકા (૨), સાબરકાંઠા (૧), મોડાસા (૧), ખંભાત (૨), નડિયાદ (૧).
 * અન્ય રાજ્યો/દેશો: ઉદયપુર (૭), જોધપુર (૧), રાજસ્થાન (૧), મહારાષ્ટ્ર (૨), મુંબઈ (૧૦), પટના (૧), પુણે (૧), નાગાલેન્ડ (૧), લંડન (૮).
ડો. રાકેશ જોશીએ અંતમાં ઉમેર્યું હતું કે, પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તેમજ વિવિધ એજન્સીઓએ દુર્ઘટના ઘટી તે દિવસથી લઈને આજ સુધી ખડેપગે કામગીરી કરી છે. આ જટિલ પ્રક્રિયામાં સામેલ તમામ સ્ટાફ અને એજન્સીઓના પ્રયાસો પ્રશંસનીય છે.

 

(7:41 PM IST)