<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

મહારાષ્ટ્રમાં મિલકત વિવાદમાં સવકા ભાઈની હત્યા :માથું ધડથી અલગ કરી દીધું :એક યુવકની ધરપકડ

કલ્યાણમાં જંગલ પરિસરમાંથી મળેલા ધડની તપાસમાં પોલીસને એક શંકાસ્પદ કારની માહિતી મળ્યા બાદ ગુનો ઉકેલાયો

મુંબઈ: મિલકત વિવાદમાં સવકા ભાઈની કથિત હત્યા કર્યા બાદ માથું ધડથી અલગ કરી દેવાના કેસમાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી. કલ્યાણમાં જંગલ પરિસરમાંથી મળેલા ધડની તપાસમાં પોલીસને એક શંકાસ્પદ કારની માહિતી મળી હતી, જેને આધારે આ ગુનો ઉકેલાયો હોવાનો દાવો વરિષ્ઠ અધિકારીએ કર્યો હતો.

થાણે ગ્રામીણ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ સલમાન મોહમ્મદ ગૌરી અન્સારી (25) તરીકે થઈ હતી. ટિટવાલાના માંડા ગામ ખાતે રહેતા અન્સારીએ તેના સાવકા ભાઈ ફૈઝલ મોહમ્મદ ગૌરી અન્સારી (29)ની હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

 

પોલીસના જણાવ્યા મુજબ કલ્યાણ તાલુકાના નાલિંબી ગામની હદમાં જંગલમાં પરિસરમાંથી 29 મેની સવારે યુવાનનું ધડ મળી આવ્યું હતું. આસપાસમાં શોધ ચલાવ્યા છતાં માથું ન મળતાં ધડની ઓળખ મેળવવી મુશ્કેલ હતી. આ પ્રકરણે કલ્યાણ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી

 

મૃતકની ઓળખ મેળવવા માટે તેના ધડ સાથે અમુક વિગતો પોલીસે અનેક વૉટ્સઍપ ગ્રૂપ પર શૅર કરી હતી. એ સિવાયનાં તેના પોસ્ટર્સ પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યાં હતાં. રાજ્યનાં દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમ વ્યક્તિની ફરિયાદોની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ પોલીસને મૃતકની કોઈ વિગતો મળતી નહોતી.

 

પોલીસની એક ટીમે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં અજાણી કાર ઘટનાસ્થળની દિશામાં નજરે પડી હતી. પોલીસની ટીમ એ શંકાસ્પદ કારની માહિતીને આધારે આરોપી સલમાન સુધી પહોંચી હતી. કાર સલમાનની હોવાનું તપાસમાં જણાયું હતું.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી અને મૃતક વચ્ચે વારંવાર ઝઘડા હતા. તેમની વચ્ચે મિલકત વિવાદ પણ હતો, જેને પગલે આરોપીએ સાવકા ભાઈની હત્યા કરી હતી.

(9:12 PM IST)