<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 251 DNA મેચ થયા :245 પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યા

6 પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ રૂમમાં છે જે પરિવારને સોંપવાના હજુ બાકી: 26 મૃતદેહ બાય એર, 219 બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી

અમદાવાદથી 242 મુસાફરો અને ક્રૂ-સભ્યો સાથે લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું AI-171 વિમાન અમદાવાદની મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય વિમાનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા, અને જમીન પર રહેલા લગભગ 29લોકો માર્યા ગયા હતા. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 251 DNA મેચ થયા છે. જેમાં 245 પાર્થિવદેહ એમના પરિવારને સોંપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે 22 જૂન 2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 251 DNA મેચ થયા છે. 245 પાર્થિવદેહ એમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જોકે 6 પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ રૂમમાં છે જે પરિવારને સોંપવાના હજુ બાકી છે.   26 મૃતદેહ બાય એર, 219 બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. 245 પાર્થિવદેહમાંથી 176 ભારતીય,49 બ્રિટિશસર,1 કેનેડિયન,7 પોર્ટુગીઝ અને 12 નોન પેસેન્જર છે .બાકીના DNA મેચ થયા બાદ પરિવારને સોંપાશે.

ગુજરાત પોલીસે 12 જૂનના રોજ અમદાવાદમાં મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળને એરપોર્ટ પરિસરમાં લઈ જવાનું શરૂ કરી દીધું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાટમાળને અકસ્માત સ્થળેથી ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) ની ઇમારતમાં લઈ જવામાં આવી રહ્યો છે, જે એરપોર્ટ પરિસરમાં છે. તેને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, "અમે આજથી અહીં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના કાટમાળને GUJSAIL ની ઇમારતમાં ખસેડવાનું શરૂ કરી દીધું છે." તેમણે કહ્યું, "સંપૂર્ણ કાટમાળને ખસેડવામાં 48 થી 72 કલાક લાગશે."

અધિકારીએ કહ્યું, "કાટમાળ AAIB ની કસ્ટડીમાં રહેશે જે વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહી છે." AAIB ઉપરાંત, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) વિમાન દુર્ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે.

(7:09 PM IST)