<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને સમાજે નાત બહાર કાઢયોઃ સમાજમાં પાછા ફરવા પરિજનોને કરવું પડયું મુંડન

છોકરીએ કર્યા લવ મેરેજ, પરિવારને સજાઃ ઓરિસ્‍સામાં પણ આવી જ એક ઘટના બની

 

રાયગઢા,તા.૨૩: આજના સમયમાં હજુ પણ એવો વર્ગ છે, જે લવ મેરેજ કરનારને તિરસ્‍કારની નજરથી જુએ છે. કેટલાક વિસ્‍તારોમાં તો લવ મેરેજ કરનાર સાથે બહું ખરાબ રીતે દુર્વ્‍યવ્‍હાર કરવામાં આવે છે. એમા પણ જો કોઈ છોકરીએ અન્‍ય જાતિના છોકરા સાથે લવ મેરેજ કર્યા હોય તો સમાજનો દુર્વ્‍યવ્‍હાર ચરમસીમાએ પહોંચી જાય છે. ઓરિસ્‍સામાં પણ આવી જ એક ઘટના બની છે. અન્‍ય જાતિના છોકરા સાથે લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને તેમના સમાજ દ્વારા નાત બહાર કાઢીને બહિષ્‍કાર કરવામાં આવ્‍યો છે.

ઓરિસ્‍સાના કાશીપુર બ્‍લોકની ગોરોખપુર પંચાયતના બેગનગુડા ગામની વાત છે. અહીં એક અનુસૂચિત જનજાતિની યુવતીને અન્‍ય ગામના અનુસૂચિત જાતિના યુવાન સાથે પ્રેમ થયો હતો. સમાજ પોતાના સંબંધને સ્‍વીકારશે નહીં, એમ સમજીને બંનેએ લવ મેરેજ કરી લીધા હતા. યુવતીના આ પગલાથી તેનો પરિવાર અને ગામના લોકો તેનાથી નારાજ થઈ ગયા હતા. સાથોસાથ ગામના લોકોની સંકુચિત વિચારધારાના કારણે છોકરીનો પરિવારને તેનું પરિણામ ભોગવવાનો વારો આવ્‍યો હતો.

લવ મેરેજ કરનાર છોકરીના પરિવારને તેના સમાજે નાત બહાર મૂકીને સામાજિક બહિષ્‍કાર કર્યો હતો. છોકરીના પરિવારને જો ગામમાં રહેવું હોય તો તેને શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. શુદ્ધિકરણની પ્રક્રિયામાં યુવતીના પરિવારજનોને એક પશુની બલિ આપવી પડશે અને ત્‍યારબાદ મુંડન કરાવવું પડશે. આટલું કર્યા બાદ જ સમાજમાં તેમનો ફરી સ્‍વીકાર કરવામાં આવશે. ગ્રામજનોના દબાણમાં આવીને પરિવારના ૪૦ સભ્‍યોએ મુંડન કરાવી લીધું હતું.

કાશીપુરના બ્‍લોક ડેવલપમેન્‍ટ ઓફિસર વિજય સોયને આ અંગે જાણ થઈ હતી. તેમણે ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને બ્‍લોક અધિકારીને ગામ પર જઈને તપાસ કરવાનો આદેશ આપ્‍યો હતો. તપાસ બાદ સત્‍ય સામે આવશે અને જરૂર જણાશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.(૪૦.૮)

(9:59 AM IST)