News of Tuesday, 24th June 2025
અમેરિકામાં ફાઈનાન્શિયલી સિકયોર અને કમ્ફર્ટેબલ લાઈફ જીવવી હોય તો વર્ષે કેટલા ડોલર કમાવવા પડે?
યુએસમાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ મહિને માંડ ત્રણથી પાંચ હજાર કમાય છે, શું આટલી આવકમાં અમેરિકામાં ક્વોલિટી લાઈફ જીવી શકાય?

ન્યુયોર્ક તા.૨૪: મોંઘવારી જેમ લોકોને ઈન્ડિયામાં નડે છે તેમ અમેરિકામાં પણ નડે જ છે અને ભણેલા-ગણેલા તેમજ વ્હાઈટ કોલર જોબ કરતા અમેરિકન્સ પણ મોંઘવારીના ત્રાસથી બાકાત નથી. અમેરિકામાં તાજેતરમાં જ બેંકરેટ નામની એક ફર્મ દ્વારા કમ્ફર્ટેબલ લાઈફ જીવવા માટે વર્ષે કેટલા ડોલર્સ કમાવવા પડે તે જાણવા માટે સરવે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેનારા ૪૫ ટકા લોકોનું એવું કહેવું હતું કે જો યુએસમાં ફાઈનાન્શિયલી સિકયોર અને કમ્ફર્ટેબલ લાઈફ જીવવી હોય તો વર્ષના ઓછામાં ઓછા એક લાખ ડોલર કમાવવા જરૂરી છે.
જ્યારે ૨૬ ટકા લોકોનું એવું માનવું હતું કે વર્ષની દોઢેક લાખ ડોલર જેટલી કમાણી હોય તો જ અમેરિકામાં સારી જિંદગી જીવી શકાય. આ સિવાય આ સરવેમાં ભાગ લેનારા આઠ ટકા લોકોનું કહેવું હતું કે વર્ષની બેથી પાંચ લાખ ડોલર જેટલી કમાણી જરૂરી છે જ્યારે આઠ ટકા લોકોએ કમ્ફર્ટેબલ લાઈફ માટે પાંચ લાખથી પણ વધુની કમાણી જરૂરી હોવાનું કહ્યું હતું.
જોકે, આ જ સરવેમાં પાર્ટિસિપેટ કરનારા ૪૫ ટકા લોકોએ એવું કહ્યું હતું કે વર્ષની કમાણી છ આંકડામાં ના હોય તો પણ ફાઈનાન્શિયલી સિકયોર લાઈફ જીવી શકાય છે, જ્યારે ૩૪ ટકા લોકોનું એવું માનવું હતું કે જો એક વર્ષમાં ૫૦ હજારથી એકાદ લાખ ડોલર સુધીની આવક હોય તો પણ ખાસ વાંધો નથી આવતો.
YouGov દ્વારા મિડ-મેમાં કરાયેલા આ ઓનલાઈન સરવેમાં ૨,૨૬૦ એડલ્ટ્સે ભાગ લીધો હતો, તેમાં એવું પણ પૂછવામાં આવ્યું હતું કે રિચ ફીલ કરવા અથવા તો ફાઈનાન્શિયલ ફ્રીડમવાળી લાઈફ જીવવા કેટલી કમાણી જરૂરી છે? આ સવાલનો જવાબ આપતા ૫૫ ટકા લોકોએ એવું કહ્યું હતું કે તેના માટે વર્ષના બે લાખ ડોલર જેટલી આવક જરૂરી છે જ્યારે ૨૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે જો એક વર્ષમાં એક મિલિયન ડોલર કમાતા હો તો જ રિચ જેવી ફિલિંગ મળી શકે,જ્યારે ૧૩ ટકા લોકોએ તેના માટે વાર્ષિક પાંચથી દસ લાખ ડોલરની આવક પૂરતી હોવાનું જણાવ્યું હતું.
જોકે, આ સરવેમાં ભાગ લેનારા અડધોઅડધ લોકોએ માન્યું હતું કે હાલ તેઓ પૂરતી કમાણી નથી કરી રહ્યા અને ફાઈનાન્શિયલી સિકયોર લાઈફ જીવવા તેમને હજુ વધારે કમાવવાની જરૂર છે. અમેરિકાના લેટેસ્ટ વસતી ગણતરીના આંકડા અનુસાર ૨૦૨૩માં દેશની વાર્ષિક એવરેજ હાઉસહોલ્ડ ઈનકમ ૮૦,૬૧૦ ડોલર હતી, પરંતુ અમેરિકાના અડધાથી વધુ ફેમિલી તેનાથી ઓછી આવક ધરાવતા હતા.
તેમાંય બે કે તેથી વધુ મેમ્બર્સ ધરાવી ફેમિલીની વાર્ષિક સરેરાશ આવક ૧,૦૨,૮૦૦ ડોલર હતી અને મેરિડ કપલ્સ હોય તેવી ફેમિલીની વાર્ષિક સરેરાશ આવક ૧.૧૯ લાખ ડોલર હતી, અને ૨૦૨૩માં ફુલ ટાઈમ વર્કર ૬૦,૦૭૦ ડોલર કમાતો હતો. બેંકરેટ દ્વારા કરવામાં આવેલા સરવેમાં ૭૭ ટકા લોકોએ એવું જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે ફાઈનાન્શિયલી સિકયોર ફીલ નથી કરી રહ્યા જ્યારે ૩૨ ટકાનું એવું કહેવું હતું કે તેઓ કદાચ કયારેય ફાઈનાન્શિયલી સિકયોર નહીં થઈ શકે.
અમેરિકામાં પણ ગરીબી છે, પરંતુ ઈન્ડિયાની જેમ તે દેખાતી નથી. યુએસમાં કરોડો લોકો ફુડ સ્ટેમ્પ પર જીવે છે અને હોમલેસ લોકોની સંખ્યા પણ ઘણા મોટી છે. જોકે, યુએસમાં તમારે એક પૈસાની પણ આવક ના હોય તો પણ બે ટંક જમવાની, બાળકોને ભણાવવાની તેમજ મેડિકલ ટ્રીટમેન્ટની કોઈ ચિંતા નથી કરવી પડતી. અમેરિકામાં સારી લાઈફ જીવવાકેટલા ડોલર કમાવવા પડે તે પ્રશ્ન આમ તો ઘણો રસપ્રદ છે, પણ સારી લાઈફ એટલે શું તે પણ ક્લીયર કરવું જરૂરી છે.
અમેરિકામાં જે ગુજરાતીઓ સ્ટોર્સ અને મોટેલ્સમાં કામ કરે છે તે મહિને ત્રણથી પાંચ હજાર જેટલું કમાઈ લેતા હોય છે, અને તેમના બાળકોને સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન પણ મળી જાય છે. પણ.. જો બાળકને હાયર એજ્યુકેશન અપાવવું હોય કે પછી યુએસમાં પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય અથવા ઘર ખરીદવું હોય ત્યારે મોટાભાગના લોકોને ભીંસ પડી જતી હોય છે.
તેમાંય ન્યૂયોર્ક, શિકાગો તેમજ બોસ્ટન સહિતના મોટા શહેરોમાં રહેતા લોકો પાસે રહેવા-જમવાનો ખર્ચો કાઢવા ઉપરાંત અમેરિકા જવા માટે કરેલો ખર્ચ ભરપાઈ કર્યા બાદ ભાગ્યે જ કશુંય બચતું હોય છે. આટલું ઓછું હોય તેમ જો જોબમાં ૧૯-૨૦ થઈ જાય કે પછી ધંધામાં નુક્સાન થાય તો બધીય ગણતરી ખોરવાઈ જતી હોય છે.(૩૮.૨)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
