News of Tuesday, 24th June 2025
ગિલની કેપ્ટનશીપનો કારમો પ્રારંભ : હેડિંગ્લે ટેસ્ટમાં ભારતની શરમજનક હાર : ઇંગ્લેન્ડે ૫ વિકેટે વિજય મેળવી ટેસ્ટ સીરીઝમાં ૧-૦ની લીડ મેળવી!
કપ્તાનીના પ્રથમ જ મુકાબલામાં શુભમન ગિલ નિષ્ફળ : ભારતની નબળી ફિલ્ડિંગ અને કેચ છોડવાની મોંઘી ભૂલ ભારે પડી : ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ૧૧ ટેસ્ટમાં ૭મી હાર નોંધાઈ!

લીડ્સ : હેડિંગ્લેના મેદાન પર રમાયેલી રોમાંચક પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે! શુભમન ગિલના કપ્તાની ડેબ્યુ મેચમાં જ ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને ચાર ખાના ચિત્ત કરીને ૫ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે ઇંગ્લેન્ડે ૫ મેચની ટેસ્ટ સીરીઝમાં ૧-૦ની શાનદાર લીડ મેળવી લીધી છે, અને ભારતીય ટીમના પ્રદર્શન પર સવાલો ઉભા થયા છે.
ગિલની કેપ્ટનશીપનું અશુભ મુહૂર્ત અને ભારતની નબળી ફિલ્ડિંગ:
રોહિત શર્માના નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ટીમના નવા કપ્તાન બનેલા શુભમન ગિલ માટે આ ડેબ્યુ મેચ એક કડવો અનુભવ બની રહી છે. મેચમાં ભારતની નબળી ફિલ્ડિંગ અને ખાસ કરીને ૭ કેચ છોડવાની ભૂલો તેમને ભારે પડી હતી, જે આખરે હારનું મુખ્ય કારણ બની. યશસ્વી જયસ્વાલ એકલાએ જ ૪ કેચ છોડ્યા હતા, જે ટીમ માટે અત્યંત મોંઘા સાબિત થયા. બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરે ૨-૨ વિકેટ ઝડપી હોવા છતાં, જસપ્રિત બુમરાહનો વિકેટ વિનાનો સ્પેલ પણ ભારતની હારમાં ફાળો આપી ગયો.
મેચનો રોમાંચક ઘટનાક્રમ:
મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને શુભમન ગિલના શતકોની મદદથી ૪૭૧ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ઇંગ્લેન્ડે ઓલી પોપના શતકની મદદથી ૪૬૫ રન બનાવ્યા, અને ભારતને ૭ રનની નજીવી લીડ મળી. ભારતે બીજી ઇનિંગ્સમાં ૩૬૪ રન બનાવીને ઇંગ્લેન્ડને જીત માટે ૩૭૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઇંગ્લેન્ડનો શાનદાર રનચેઝ અને ભારતીય કોચ ગંભીરની મુશ્કેલી:
ઇંગ્લેન્ડે ૩૭૧ રનના વિશાળ લક્ષ્યાંકને ૫ વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો. બેન ડકેટ (૧૪૯ રન)ના શાનદાર શતક અને ઝેક ક્રોલી (૬૫) તથા જો રૂટ (૫૩* રન)ની અર્ધસદીઓ ટીમને જીત તરફ દોરી ગઈ. ડકેટ અને ક્રોલી વચ્ચેની ૧૮૮ રનની ઓપનિંગ ભાગીદારીએ ઇંગ્લેન્ડની જીતનો પાયો નાખ્યો, અને તેમને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ૧-૦ની લીડ અપાવી. જેમી સ્મિથ (૪૪* રન)એ વિજયી રન ફટકાર્યા, અને ઇંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં તેમની બીજી સૌથી મોટી સફળ રનચેઝ નોંધાવી.
આ હાર ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકે ૧૧ ટેસ્ટ મેચોમાં ૭મી હાર હતી. ગંભીરના કોચિંગ હેઠળ ભારતની જીત ગયા વર્ષે બાંગ્લાદેશ (બે મેચ) અને ઓસ્ટ્રેલિયા (એક મેચ) સામે જ આવી હતી. ભારત આખી મેચ દરમિયાન ઋષભ પંતના બે શતકો સહિત કુલ પાંચ શતક ફટકારીને ઇંગ્લેન્ડ પર હાવી રહ્યું હતું, પરંતુ નબળી ફિલ્ડિંગે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું. આ હાર ભારતીય ટીમના પ્રદર્શન અને કપ્તાની પર ગંભીર સવાલો ઉભા કરે છે, અને આગામી મેચોમાં ટીમ કેવી રીતે કમબેક કરશે તે જોવું રહ્યું.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
