News of Wednesday, 25th June 2025
બ્રેકિંગ: ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજની લગ્નની તારીખ ટળી, આ છે મોટું કારણ!
ક્રિકેટ અને રાજકારણના આ બે યુવા ચહેરાઓના લગ્નની નવી તારીખની ચાહકોને આતુરતા: વ્યસ્ત પ્રોફેશનલ શેડ્યૂલની સેલિબ્રિટીઝના અંગત જીવન પર અસર

નવી દિલ્હી 24 જૂન 2025: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ અને મછલીશહર (જૌનપુર) થી સમાજવાદી પાર્ટીના યુવા સાંસદ પ્રિયા સરોજના લગ્ન હાલ પૂરતા ટળી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ, બંનેના લગ્ન ૧૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વારાણસીમાં થવાના હતા, પરંતુ રિંકુ સિંહના વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લગ્નની નવી તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે, જે સંભવતઃ IPL ૨૦૨૬ પછી અથવા જ્યારે રિંકુને રમતમાંથી સમય મળશે ત્યારે રાખવામાં આવશે.
વ્યસ્તતા બની લગ્ન ટળવાનું કારણ
તાજેતરમાં જ, ૮ જૂનના રોજ લખનૌની 'ધ સેન્ટ્રમ' હોટેલમાં રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ હતી. રિંગ સેરેમની બાદ બંને પરિવારોમાં ૧૮ નવેમ્બરના લગ્ન માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ અચાનક તારીખ ટળી જતાં તૈયારીઓ પણ અટકાવી દેવામાં આવી છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન રિંકુ સિંહ ઘરેલું ક્રિકેટમાં (Domestic Cricket) પોતાની પ્રદેશ ટીમ તરફથી રમવામાં વ્યસ્ત રહેશે. આ પછી તરત જ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) શરૂ થઈ જશે. આ કારણે, બંને પરિવારોએ ફેબ્રુઆરીના અંતમાં ક્રિકેટમાંથી સમય મળ્યા પછી અથવા IPL ૨૦૨૬ ના સમાપ્તિ બાદ લગ્નની તારીખ નક્કી કરવાનું નક્કી કર્યું છે.
લગ્ન સ્થળમાં પણ ફેરફાર, હવે ડેસ્ટિનેશન વેડિંગ!
એટલું જ નહીં, બંને પરિવારોએ એ પણ નક્કી કર્યું છે કે લગ્ન વારાણસીમાં નહીં, પરંતુ અન્ય કોઈ સ્થળે ડેસ્ટિનેશન વેડિંગ તરીકે કરવામાં આવશે.
સગાઈ સમારોહમાં રાજકીય અને રમત જગતની હસ્તીઓ
આ જ મહિને યોજાયેલી સગાઈમાં રમત જગતમાંથી જ નહીં, પરંતુ રાજકારણના પણ ઘણા દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. સગાઈના વાયરલ થયેલા એક વીડિયોમાં સાંસદ પ્રિયા સરોજ ભાવુક થતી અને તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. લોકોએ રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈના સુંદર અંદાજને ખૂબ પસંદ કર્યો હતો.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
