<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

‘એર ઈન્‍ડિયાના બોઈંગ વિમાનો પર પ્રતિબંધ ફરમાવોઃ ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરાવો

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્‍યો મામલો...ફલાઈટમાં સીટ, ઈન્‍ટરનેટ, એસી ખરાબ હતું: અરજદારને વળતર આપ્‍યું છતાં કોર્ટમાં અરજી કરી

નવી દિલ્‍હી,તા.૨૫: એર ઈન્‍ડિયાના બોઈંગ વિમાનોના સંચાલન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે, લોકોની સુરક્ષાને ધ્‍યાને રાખી, જ્‍યાં સુધી સેફ્‌ટી ઓડિટની કામગીરી પૂરી ન થાય ત્‍યાં સુધી બોઈંગ વિમાનોનો ઉપયોગ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ૧૨ જૂને અમદાવાદમાં એર ઈન્‍ડિયાનું બોઈંગ ૧૭૧ વિમાન ક્રેસ થયા બાદ એક એડવોકેટ અજય બંસલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. ક્રેશની ઘટનામાં ઓછામાં ૨૪૧ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્‍બરોના મોત થયા હતા. વિમાન ડૉક્‍ટરોની હોસ્‍ટેલ પર ક્રેશ થયું હોવાથી અન્‍ય ૨૯ લોકોએ પણ જીવ ગુમાવ્‍યા હતા.

અરજદારે કહ્યું કે, તે પત્‍ની સાથે એર ઈન્‍ડિયા-૧૨૭ ફ્‌લાઈટમાં દિલ્‍હીથી શિકાગો જઈ રહ્યો હતો. તેણે બિઝનેસ ક્‍લાસની ટિકિટ બુક કરાવી હતી. જોકે સીટમાં ખરાબી હતી. ફ્‌લાઈટની ઈન્‍ટરનેટ સિસ્‍ટમ પણ ખરાબ હતી. આ ઉપરાંત ઘણા સમય સુધી એસી પણ બંધ હતું. તેણે એર ઈન્‍ડિયાને પણ ફરીયાદ કરી છે.

મુસાફરની ફરિયાદ પર એર ઈન્‍ડિયાએ કહ્યું કે, ‘ફ્‌લાઈટની એક સીટમાં સમસ્‍યા સર્જાઈ હતી. ત્‍યારબાદ તેમને ૧૦ હજાર રૂપિયાની વળતર અપાયું છે. અરજદારે કહ્યું કે, આ એકમાત્ર ઘટના નથી. અનેક વખત સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયો શેર કરતા હોય છે અને એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટોની હેરાનગતી શેર કરે છે. તેમણે કહ્યું કે, ૧૨ જૂને પ્‍લેન ક્રેશની ઘટના બાદ ફ્‌લાઈટોના મેઈન્‍ટેનન્‍સ અને તપાસ મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે.

(10:13 AM IST)