<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગ્રામ પંચાયત ચૂંટણી જંગઃ મતપેટીઓ ખુલીઃ વિજેતા જાહેર થવા લાગ્‍યાઃ સમર્થકોમાં જશ્‍ન

સરપંચ અને સભ્‍યોને જીતના વધામણાઃ મત ગણતરી સ્‍થળોએ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચુસ્‍ત બંદોબસ્‍ત

 

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં મત ગણતરી સ્‍થળે વિજેતા સરપંચ, સમર્થકો, ચોથી અને પાંચમી તસ્‍વીરમાં મોરબીમાં મત ગણતરી સ્‍થળે ચુસ્‍ત બંદોબસ્‍ત નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી (ગોંડલ) પ્રવિણ વ્‍યાસ (મોરબી)

રાજકોટ તા.રપઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ- ગુજરાતના રવિવારે ગ્રામ પંચાયતની ચુંટણી યોજાયા બાદ આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી છે. સવારે ઇવીએમ ખુલતાની સાથે જ વિજેતા જાહેર થવા લાગતા સમર્થકોમાં જશ્નનો માહોલ છે.

કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં ૪૫૬૪ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્‍યોની ચૂંટણીનું પરિણામ જાહેર થવા લાગ્‍યું છે.

હાલ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મતગણતરી શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્‍સાહ છે.

મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્‍પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્‍દ્રો પર કડક પોલીસ બંદોબસ્‍ત સાથે સુરક્ષાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈપણ અનિચ્‍છનીય બનાવને ટાળી શકાય. આ આખી મતગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૩૬૫૬ સરપંચ માટે ૮ હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને છે. જ્‍યારે૧૬,૨૨૪ સભ્‍યો માટે ૭૦ હજારથી વધુ દાવેદારો ચૂંટણી લડી રહ્યાં છે. સામાન્‍ય, મધ્‍યસત્ર ચૂંટણીમાં કુલ ૭૮.૨૦ ટકા મતદાન નોંધાયુ છે. ૩૦,૪૮,૪૩૪ પુરૂષ અને ૨૮,૦૬,૫૬૧ મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કુલ મળીને ૮૧ લાખ મતદારો પૈકી ૫૮.૫૬ લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ડાંગમાં સૌથી વધુ ૮૯.૫૪ ટકા જ્‍યારે પોરબંદરમાં સૌથી ઓછું ૬૬.૭૭ ટકા મતદાન નોંધાયુ હતું. વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા સહિત અન્‍ય બે સ્‍થળોએ ફરી મતદાન કરવા પણ નક્કી કરાયુ હતું.

ગત વખત કરતાં આ વખતે સમરસ પંચાયતોની સંખ્‍યા ઓછી થઈ છે. જાતિગત-સ્‍થાનિક સમીકરણ ઉપરાંત સરપંચને વધુ મળેલી સત્તાને કારણે પંચાયતની ચૂંટણીનો જંગ કશ્‍મકસભર્યો બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે હજાર બેઠકો પર ઉમેદવારોએ ઉમેદવારી જ નથી નોંધાવી. કડી અને વિસાવદરની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, વિસાવદર, જૂનાગઢ વિસ્‍તારની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી નથી.

અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા, થોરીવડગાસ પંચાયત સમરસ થઈ છે જ્‍યારે ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી, સરસલાપરા અને દેત્રોજ-રામપુરાની કાંત્રોડી, જેઠીપુરા પંચાયતો પણ સમરસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા, દસક્રોઈ, વિરમગામ, માંડલ, સાણંદ, દેત્રોજ અને ધંધુકા તાલુકાની પંચાયતો માટે ૯ સ્‍થળો મતગણતરી થશે. કુલ ૨૮ મતગણતરી હોલમાં ૪૨ ટેબલો ગોઠવવામાં આવ્‍યા છે. કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ૨૯૭ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ગોંડલ ગ્રામ પંચાયતોની ચુંટણી મતગણતરી શરૂ થઇ છે. નેશનલ હાઇવે પર આવેલ શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

રીબડા

 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી વોર્ડ નં.૮માં સત્‍યજીત જાડેજા અને રક્ષિત ખુંટ ચુંટણી લડી રહ્યા હતા જેમાં સત્‍યજીત જાડેજા ૧૧૧ અને રક્ષિત ખૂંટ ૩૭ મત મળ્‍યા સાથે ભવ્‍ય જીત સત્‍યજીત જાડેજાની થવા પામી છે.

સુલતાનપુર

ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર ગ્રામ પંચાયતમાં વોર્ડ નં.૭માં વર્ષાબેન મહેન્‍દ્રકુમાર ભાદાણીનો વિજય થયો, ૩૪૪ મતમાંથી ૧૬૯ મતે મળ્‍યા છે. જયારે સામે પક્ષે મંજુબેન રાજેશભાઇ ગોંડલીયા ૩૪૪માંથી ૧૬૪ મત મળ્‍યા છે.

જામજોધપુર

જામજોધપુરઃ તાલુકાની કુલ ૩૪ ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી જેમાં બાલવા ગોરખડી, જામ સખપુર, આંબરડી, ડેરી હોથીજી, ખડબા, રબારીકા, વીરપર કુલ ૭ ગામો બીન હરીફ જાહેર થયેલ જેમાં ૨૭ ગામોની ચુંટણી યોજાઈ હતી જેની મત ગણતરી આજે તા. ૨૫-૫-૨૦૨૫ ના રોજ આર્ટસ એન્‍ડ કોર્મસ કોલેજ ગીંગણી રોડ ખાતે થશે. આ વખતની ચુંટણીમાં બગધરા જામવાડી પાટણ ધુનડા મોટી ગોપ સમાણા જામ આંબરડી વગેરે ગામમાં રસાકસી ભરેલ જંગ જામ્‍યો હતો.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જિલ્લાની ૪૦ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઈ છે. મોરબી જિલ્લામાં કુલ ૪૦ ગ્રામ પંચાયતો જેમાં ૨૭ ગ્રામ પંચાયતની સામાન્‍ય ચૂંટણી છે. જેમાં ૫૩ સરપંચ પદના ઉમેદવાર અને ૨૬૧ સભ્‍યોના ભાવિ ખુલશે. આ ઉપરાંત પેટા ચૂંટણીમાં ૨૦ સરપંચ અને ૧૨ સભ્‍યોના પણ ભાવિનો ફેંસલો આજે થશે.

ઘુંટુ સ્‍થિત પોલિટેક્રિક કોલેજ ખાતે મોરબી ગ્રામ્‍ય તાલુકાની મતગણતરી ચાલી રહી છે. જેમાં પ્રથમ રાઉન્‍ડમાં ૯ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. આ પ્રથમ રાઉન્‍ડમાં મોરબી તાલુકાના આમરણ, ધરમપુર, જીવાપર (આ.), આંદરણા, ધુળકોટ, લક્ષ્મીનગર, ઉટબેટ (શા.), અણીયારી, રાજપર (કું.) ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી છે.(૨.૯)

(10:59 AM IST)