<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

બેંકિંગ જગતમાં ખળભળાટ : ₹988 કરોડના કથિત બેંક કૌભાંડમાં EDનો મોટો સકંજો : દિલ્હી-NCR અને લુધિયાણામાં દસ સ્થળોએ દરોડા

શિલ્પી કેબલ્સ ટેકનોલોજીસ લિમિટેડ અને તેના પ્રમોટરો નિશાને : CBI તપાસ બાદ EDએ લીધો ચાર્જ : મની લોન્ડરિંગ અને વિદેશી વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

 

 

નવી દિલ્હી, તા. 25 જૂન : દેશના બેંકિંગ સેક્ટરમાં ફરી એકવાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) એ શિલ્પી કેબલ્સ ટેકનોલોજીસ લિમિટેડ (SCTL) અને તેના પ્રમોટરો વિરુદ્ધ ₹988 કરોડના કથિત બેંક છેતરપિંડીના કેસમાં સોમવારે વ્યાપક કાર્યવાહી કરી છે. દિલ્હી-NCR અને પંજાબના લુધિયાણા સહિત કુલ 10 સ્થળોએ ED દ્વારા દરોડા પાડવામાં આવતા બેંકિંગ અને કોર્પોરેટ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે.
ED દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, શિલ્પી કેબલ્સ ટેકનોલોજીસ અને તેના મેનેજિંગ ડિરેક્ટર મનીષ ગોયલ પર IDBI બેંક સહિત અનેક બેંકો પાસેથી મેળવેલી લોન અને લેટર ઓફ ક્રેડિટ (LC) ની રકમનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ છે. ED ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ભંડોળ બોગસ વ્યવહારો દ્વારા વિદેશ મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ નકલી કંપનીઓ મારફતે રોકડ સ્વરૂપે ભારતમાં પાછું લાવવામાં આવ્યું હતું. આ રીતે પાછા લાવવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની અથવા તેની સંબંધિત સંસ્થાઓમાં રોકાણ કરવા માટે કરવામાં આવ્યો હતો.
ક્યાં ક્યાં થયા દરોડા?
ED ની ટીમોએ દિલ્હી-NCR માં 9 સ્થળોએ અને પંજાબના લુધિયાણામાં 1 સ્થળ પર એકસાથે દરોડા પાડ્યા હતા. ED નો દાવો છે કે, આ તમામ સ્થળો મનીષ ગોયલના સીધા નિયંત્રણ હેઠળ છે અથવા તેમના નજીકના સહયોગીઓ અને બોગસ કંપનીઓ સાથે સંકળાયેલા છે.
CBI થી ED સુધી પહોંચ્યો મામલો
આ કેસની પ્રથમ FIR કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા નોંધવામાં આવી હતી. CBI ની પ્રાથમિક તપાસ બાદ હવે ED એ આ મામલાની તપાસ પોતાના હાથમાં લીધી છે, જે મની લોન્ડરિંગના પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસનું મુખ્ય ધ્યાન એ માર્ગો પર કેન્દ્રિત છે જેના દ્વારા બેંકમાંથી પૈસા કાઢીને વિદેશ મોકલવામાં આવ્યા અને પછી તેને પરત લાવીને કંપનીમાં રોકવામાં આવ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન અનેક ડિજિટલ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો સંબંધિત પુરાવાઓ હાથ લાગ્યા છે. ED આગામી દિવસોમાં આ મામલે પૂછપરછનો ધમધમાટ તેજ કરી શકે છે અને કેટલાક આરોપીઓની ધરપકડની શક્યતા પણ નકારી શકાય નહીં. આ કૌભાંડ દેશના નાણાકીય સુરક્ષા માટે ગંભીર ચિંતા ઉભી કરે છે અને બેંકિંગ સિસ્ટમમાં વધુ પારદર્શિતા અને નિયંત્રણોની જરૂરિયાત પર ભાર મૂકે છે.

(12:10 PM IST)