<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

૩ને ફાંસી...૭૦૦ની ધરપકડ : ઇરાનમાં ઇઝરાયલના ‘જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી

ઇદ્રીસ અલી, આઝાદ શોજાઇ, રસૂદ અહમદ રસૂલને હત્‍યાના ષડયંત્રમાં સજા

નવી દિલ્‍હી, તા.૨૫: ૧૨ દિવસના યુદ્ધ પછી, ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચે યુદ્ધવિરામ થયો છે. જોકે, બંને દેશો વચ્‍ચે તણાવ હજુ પણ ચરમસીમાએ છે અને તેઓ એકબીજા વિરુદ્ધ તીખા નિવેદનો આપી રહ્યા છે. બીજી તરફ, ઈરાને પણ પોતાના દેશમાં છુપાયેલા મોસાદના ‘અંડરકવર એજન્‍ટો' સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈરાને આજે ઈઝરાયલ માટે જાસૂસી અને હત્‍યાનું કાવતરું ઘડવાના આરોપમાં ત્રણ લોકોને ફાંસી આપી દીધી. તે જ સમયે, ઈરાને ૧૨ દિવસના ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન ઈઝરાયલ સાથે સંબંધ રાખવાના આરોપમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે.

આ લોકો પર ઈઝરાયલની ગુપ્તચર એજન્‍સી મોસાદ માટે જાસૂસી કરવાનો આરોપ હતો. ન્‍યૂઝ એજન્‍સી રોઈટર્સે મિઝાન ન્‍યૂઝ એજન્‍સીને ટાંકીને જણાવ્‍યું હતું કે હત્‍યામાં વપરાતા સાધનોની દાણચોરીના દોષી સાબિત થયા બાદ આ લોકોને ફાંસી આપવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્‍યો હતો કે આ લોકોએ મોસાદની મદદથી સાધનોની દાણચોરી કરી હતી. મિઝાનના અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે આ લોકો દ્વારા દાણચોરી કરાયેલા સાધનોનો ઉપયોગ અજાણ્‍યા લોકોની હત્‍યામાં કરવામાં આવ્‍યો હતો. જોકે, રિપોર્ટમાં હત્‍યા સંબંધિત અન્‍ય કોઈ વિગતો આપવામાં આવી નથી.ઈરાન, જે દાયકાઓથી ઈઝરાયલ સાથે દુશ્‍મનાવટમાં છે, તેણે દેશ વિરુદ્ધ કાવતરું ઘડવા અને ઈઝરાયલી ગુપ્તચર એજન્‍સી મોસાદ માટે કામ કરવાના આરોપમાં ઘણા લોકોને ફાંસી આપી છે. તાજેતરના યુદ્ધમાં, ઈઝરાયલે ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકોની હત્‍યા કરવાનો દાવો કર્યો છે. એવું માનવામાં આવે છે કે ઈઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાટા પરથી ઉતારવા અને સમાપ્ત કરવાના ઈરાદાથી કાર્યવાહી કરી છે.

નૂર ન્‍યૂઝના અહેવાલ મુજબ ઈઝરાયલ સાથે સંબંધો રાખવાના આરોપમાં ઓછામાં ઓછા ૭૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાસૂસીના આરોપસર આ ધરપકડો ૧૨ દિવસના યુદ્ધ પછી અમલમાં આવેલા યુદ્ધવિરામના એક દિવસ પછી થઈ છે. ધ ટાઇમ્‍સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઈરાનના ન્‍યાયતંત્રે જણાવ્‍યું હતું કે, ઇદ્રીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂદ અહમદ રસૂલએ હત્‍યા કરવા માટે દેશમાં સાધનો આયાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સાધનોની દાણચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને યહૂદી દેશ માટે કામ કરવા બદલ તેમની પર કેસ ચલાવવામાં આવ્‍યો હતો. સજા તરીકે આજે સવારે તેમને ફાંસી આપવામાં આવી હતી. આ ફાંસી તુર્કીની સરહદ નજીક ઉત્તર પશ્‍ચિમ શહેર ઉર્મિયામાં આપવામાં આવી હતી.

(3:04 PM IST)