<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

અમેરિકામાં હાલમાં ૫૯,૦૦૦ લોકો ICEની કસ્‍ટડીમાં: અડધાનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી

ICEના ડિટેન્‍શન સેન્‍ટર્સમાં ક્ષમતા કરતા વધારે ઈમિગ્રન્‍ટ્‍સને રાખવામાં આવ્‍યા જ્‍યારે ૩૦ ટકાથી પણ ઓછા એવા છે જેમને કોઈ ગુનામાં દોષી ઠેરવાયા છે

વોશીંગ્‍ટન તા.૨૫: ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશન અનડોકયુમેન્‍ટેડ ઈમિગ્રન્‍ટ્‍સને પકડવા માટે આક્રમક રીતે અભિયાન ચલાવી રહ્યું છે, ત્‍યારે એક અહેવાલ મુજબ હાલમાં અમેરિકામાં હાલમાં ૫૯,૦૦૦ લોકો ICEની કસ્‍ટડીમાં છે, જે એક રેકોર્ડ છે. ફેડરલ સ્‍ટેટેસ્‍ટિક્‍સ દર્શાવે છે કે, હાલમાં ICE દ્વારા કસ્‍ટડીમાં રખાયેલા લોકોમાંથી લગભગ અડધા ઈમિગ્રન્‍ટ્‍સનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.

CBS ન્‍યૂઝને મળેલા ડેટા મુજબ, કોંગ્રેસે છેલ્લે ડિટેન્‍શન સેન્‍ટર્સ માટે ૪૧,૫૦૦ બેડ્‍સ ફાળવ્‍યા હતા. જેની સામે ૨૩ જૂનની ડિટેન્‍શન સેન્‍ટર્સમાં ક્ષમતા કરતા ૧૪૦ ટકા વધુ લોકોને રાખવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે. ફેડરલ આંકડા દર્શાવે છે કે, ICEની કસ્‍ટડીમાં હાલમાં રખાયેલા ઈમિગ્રન્‍ટ્‍સમાંથી લગભગ ૪૭ ટકાનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, જ્‍યારે ૩૦ ટકાથી પણ ઓછા ઈમિગ્રન્‍ટ્‍સ એવા છે કે જેમની કોઈ ગુના માટે દોષી ઠેરવાયા છે.

ટ્રમ્‍પે ચૂંટણી પ્રચારમાં ક્રિમિનલ ઈમિગ્રન્‍ટ્‍સ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. જોકે, ટ્રમ્‍પ પ્રેસિડન્‍ટ બન્‍યા પછી તેમના એડમિનિસ્‍ટ્રેશનના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકામાં ઈલીગલી રહેલા કોઈપણ વ્‍યક્‍તિને છોડવામાં નહીં આવે. હાલમાં ICE જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે , તે એ વાતનો જ સંકેત આપે છે.

અમેરિકામાં ઈલીગલી રહેતા હોવાની શંકા હોય તેવા લોકોની ICE ધરપકડ કરી શકે છે. તેમજ જે ક્રિમિનલ હિસ્‍ટ્રી ધરાવતા હોય તેવા અને અન્‍ય ઈમિગ્રન્‍ટ્‍સ કે જેમનું લીગલ સ્‍ટેટ્‍સ રિવ્‍યુ હેઠળ છે તેમને પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે. તાજેતરના સપ્તાહોમાં ICEએ વધુ આક્રમક રીતે ઓપરેશન્‍સ હાથ ધરી રહ્યું છે.

જૂન મહિનાની શરૂઆતમાં લોસ એન્‍જેલસમાં જે ઘટનાઓ બની તે બધાએ જોઈ છે. ટ્રમ્‍પ લોસ એન્‍જેલસમાં નેશનલ ગાર્ડ અને મરિન્‍સને ઉતારીને ઈલીગલ ઈમિગ્રન્‍ટ્‍સ અને તેમની તરફેણ કરનારાઓને સ્‍પષ્ટ મેસેજ આપી દીધો છે કે, તેઓ ઈમિગ્રન્‍ટ્‍સ સામેની કાર્યવાહીમાં જરાપણ ઢીલ નહીં મૂકે.

ઈન્‍ટરનલ એજન્‍સીના આંકડા દર્શાવે છે કે, ટ્રમ્‍પ સરકારના પહેલા ૧૦૦ દિવસમાં રોજ સરેરાશ ૬૬૦ ઈમિગ્રન્‍ટ્‍સની ધરપકડ થતી હતી. હવે ICEએ ડિટેન્‍શનની ઝડપ વધારી છે અને જૂનમાં અત્‍યાર સુધીમાં ICEએ રોજના સરેરાશ ૧,૨૦૦ ઈમિગ્રન્‍ટ્‍સની ધરપકડ કરી છે. જોકે, ધરપકડનો આ આંકડો હજુ તેને અપાયેલા ટાર્ગેટ કરતા ઘણો ઓછો છે. વ્‍હાઈટ હાઉસ એડવાઈઝર સ્‍ટીફન મિલરે ICEને રોજના ૩,૦૦૦ લોકોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્‍યો હતો.

રિસેકસ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા સંકલન કરાયેલા એજન્‍સીના ડેટા મુજબ, ટ્રમ્‍પની પહેલી ટર્મમાં વર્ષ ૨૦૧૯માં ૫૫,૦૦૦ ઈમિગ્રન્‍ટ્‍સ ICEની કસ્‍ટડીમાં હતા, જ્‍યારે બીજી ટર્મમાં આ આકડો હાલમાં ૫૯,૦૦૦એ પહોંચી ગયો છે. માર્શલ પ્રોજેક્‍ટ દ્વારા રખાતા ઐતિહાસિક આંકડા પરથી જાણવા મળે છે કે, ૫૯,૦૦૦નો આંકડો યુએસ ઈમિગ્રેશન ડિટેન્‍શનના ઈતિહાસમાં સૌથી વધારે છે. ICEના બે પૂર્વ સીનિયર અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, તેમણે કયારેય એજન્‍સીને આટલી મોટી સંખ્‍યામાં લોકોને ડિટેઈન કરીને રાખ્‍યા હોવાનું જોયું નથી.

બાઈડન એડમિનિસ્‍ટ્રેશનના અંતિમ દિવસોમાં ડિટેન્‍શન સેન્‍ટર્સમાં રખાયેલા ઈમિગ્રન્‍ટ્‍સ કરતા હાલમાં ૫૦ ટકા વધુ લોકોને કસ્‍ટડીમાં રખાયા છે. એ સમયે લગભગ ૩૯,૦૦૦ લોકો ICEની કસ્‍ટડીમાં હતા. આંકડા દર્શાવે છે કે, અમેરિકાની સરહદો અને ખાસ કરીને મેક્‍સિકો બોર્ડરથી તો હાલમાં ઘુસણખોરી ઘણી જ ઘટી ગઈ છે, ત્‍યારે હાલમાં ICEની કસ્‍ટડીમાં જે ઈમિગ્રન્‍ટ્‍સ છે તેમાંથી ૭૦ ટકાની ધરપકડ અમેરિકાની અંદરથી કરવામાં આવેલી છે

(3:06 PM IST)