<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

કાનપુરમાં હૈયું ધ્રુજાવનારી ઘટના: સગીર પુત્રે માતાની કરી હત્યા, લાશ બેડમાં છુપાવી!

આવી ઘટનાઓ સમાજમાં યુવાનોમાં વધતી હિંસા અને આવેશ નિયંત્રણના અભાવ અંગે ઉભા કરે છે ગંભીર પ્રશ્નો

કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ફક્ત 17 વર્ષના એક સગીર પુત્રે, 12મા ધોરણના વિદ્યાર્થી, પોતાની માતાની હત્યા કરી નાખી છે. આ ઘટના ત્યારે બની જ્યારે માતાએ તેને મોટા અવાજે ગીતો વગાડવાથી રોક્યો. પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.

માત્ર એક ટોકથી ગુસ્સે ભરાયેલો પુત્ર બન્યો હત્યારો

મંગળવારે બપોરે બનેલી આ ઘટનામાં, 35 વર્ષીય માતાએ પોતાના પુત્રને મોટા અવાજે ગીતો વગાડવાથી ધીમા પાડવા કહ્યું. આ વાતથી ગુસ્સે ભરાયેલા પુત્રએ પહેલા માતા સાથે ગેરવર્તણૂક કરી. જ્યારે માતાએ તેને બે થપ્પડ મારી, ત્યારે નારાજ પુત્રે આવેશમાં આવીને પોતાની જ માતાના દુપટ્ટાથી તેમનું ગળું દબાવી દીધું.

લાશ બેડમાં છુપાવી, નાના ભાઈએ જોયું અને રહસ્ય ખુલ્યું
હત્યા કર્યા બાદ, આરોપી પુત્રએ માતાના મૃતદેહને ઘરના દીવાન (પલંગ) ની અંદર છુપાવી દીધો. સાંજે લગભગ ચાર વાગ્યે, જ્યારે તેનો 15 વર્ષનો નાનો ભાઈ સ્કૂલેથી પાછો ફર્યો, ત્યારે તેણે માતાને શોધવાનો પ્રયાસ કર્યો. રૂમમાં પહોંચતા તેની નજર અડધા ખુલ્લા દીવાનમાંથી બહાર લટકી રહેલા માતાના દુપટ્ટા પર પડી. તેણે દીવાન ખોલ્યો તો માતાને અંદર જોઈને તેની ચીસ નીકળી ગઈ. પાડોશીઓની મદદથી માતાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સગીર પુત્રને પકડી પાડ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પારિવારિક સ્થિતિ અને પૃષ્ઠભૂમિ

મૃતક મહિલા, જે માર્કેટિંગનું કામ કરતી હતી, તે લગભગ 17 વર્ષ પહેલા પતિના અવસાન બાદ એક યુવક સાથે લિવ-ઈનમાં રહેતી હતી. તેના બે પુત્રો છે, એક 17 વર્ષનો (આરોપી) અને બીજો 15 વર્ષનો. નાનો પુત્ર પોલીસને જણાવ્યું કે તેમની સાથે રહેતો યુવક કામના સંબંધમાં મોટાભાગે બહાર જ રહેતો હતો અને મંગળવારે તે બરેલીમાં હતો.

(7:01 PM IST)