<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

આગ્રા જિલ્લામાં પણ નામ બદલાશે : હવે ફતેહાબાદ થશે સિંદુરપુરમ :સીએમ યોગીને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો

ફતેહાબાદ શહેરનું નામ સિંદૂરપુરમ અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બ્રહ્મપુરમ રાખવામાં આવશે

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ફતેહાબાદ શહેર અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. જે મુજબ, ફતેહાબાદ શહેરનું નામ સિંદૂરપુરમ અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બ્રહ્મપુરમ રાખવામાં આવશે. બોર્ડ મીટિંગમાં જિલ્લા પ્રમુખ દ્વારા નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રસ્તાવ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારની પરવાનગી મળ્યા બાદ, બંને શહેરોના નામ બદલવામાં આવશે. આ માહિતી એક સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે
    માહિતી અનુસાર, આગ્રા જિલ્લા પંચાયતે ફતેહાબાદ શહેર અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બદલીને અનુક્રમે સિંદૂરપુરમ અને બ્રહ્મપુરમ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. મંજુ ભદૌરિયાએ સોમવારે બોર્ડ મીટિંગમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો અને તેને સર્વાનુમતે પસાર કર્યો. હવે તેને યોગી સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. 

    ભદોરિયાએ જણાવ્યું હતું કે પ્રસ્તાવમાં નામો બદલવાની હિમાયત કરવામાં આવી છે કારણ કે તે ગુલામીનું પ્રતીક છે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે શહેરને પહેલા સમુગઢ કહેવામાં આવતું હતું અને બાદમાં તેનું નામ બદલીને ફતેહાબાદ કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવમાં તેનું નામ બદલીને સિંદૂરપુરમ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે ફતેહાબાદના બાદશાહી બાગ વિસ્તારનું નામ બદલીને બ્રહ્મોસ મિસાઇલ અને બ્રહ્મપુરમ ભગવાન બ્રહ્માના નામ પરથી રાખી શકાય છે.

   બોર્ડના અન્ય સભ્યએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો લાંબા સમયથી બંને નગરોના નામ બદલવાની માંગ કરી રહ્યા હતા. જેના સંદર્ભમાં સોમવારે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બંને નગરોના નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

(10:31 PM IST)