તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 27th June 2025
ઈન્ડિયન્સ માટે યુરોપ જવું વધારે મોંઘુ બની રહ્યું છે
યુરો સામે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો

નવી દિલ્હી તા.૨૭: ઈન્ડિયન ટ્રાવેલર્સ માટે હવે યુરોપની ટ્રિપ વધારે મોંઘી બની જશે કેમ કે, યુરો સામે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. યુરો સામે રૂપિયાનું ધોવાણ થતાં યુરોપ ટ્રાવેલ દરમિયાન એકોમોડેશન, ફૂડ અને ટ્રાન્સપોર્ટેશન પાછળ વધારે ખર્ચ કરવો પડશે. આમ પણ હાલમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે કેટલાક એરસ્પેસ પર પ્રતિબંધ મૂકાયો છે, જેને લીધે એર ટિકિટનો ખર્ચ અને લાંબી રૂટની ફ્લાઈટ્સના કારણે એર ટ્રાવેલિંગ વધારે મુશ્કેલ અને ખર્ચાળ બની ગયું છે.
એર સ્પેસ પરના પ્રતિબંધના કારણે એરલાઈન્સને લાંબા રૂટની ફ્લાઈટ કરવી પડે છે અને તેથી તેની ફયુઅલ કોસ્ટમાં વધારો થયો છે, જેના કારણે એર ટ્રાવેલિંગ મોંઘુ બન્યું છે. અમેરિકાએ ઈમિગ્રેશન અને વિઝા નિયમો સખ્ત બનાવ્યા છે અને તેને લીધે ઘણા ઈન્ડિયન્સ હવે યુરોપીયન દેશોમાં વેકેશન માણવાનું પસંદ કરી રહ્યા છે, તેવામાં યુરો સામે નબળા બનેલા રૂપિયાને લીધે તેમની મુશ્કેલી વધી શકે છે.
૨૫ જૂન, ૨૦૨૫ના રોજ રૂપિયો યુરો દીઠ ૧૦૦.૪૮ રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ૨૬ જૂનના રોજ તેમાં નજીવો સુધારો થયો હતો અને તે ૧૦૦.૩૨ રૂપિયા થયો હતો. જોકે, યુરો સામે રૂપિયાનું આ સૌથી નીચલું લેવલ છે જેને લીધે યુરોપ ફરવા જવા ઈચ્છતા અને જઈ રહેલા ઈન્ડિયન્સને ત્યાં ટ્રાવેલિંગથી લઈને ખાવા-પીવા અને રહેવા પાછળ વધારે ખર્ચ કરવો પડશે.
છેલ્લા દાયકામાં રૂપિયો ખૂબ જ નબળો પડ્યો છે. ૨૦૧૫માં એક યુરો ૭૨.૧૨ રૂપિયા હતો, અને ૨૦૨૦ સુધીમાં તે વધીને ૮૪.૬૪ રૂપિયા તથા ૨૦૨૩ સુધીમાં ૮૯.૨૦ રૂપિયા થઈ ગયો હતો. ૨૦૨૪માં તેણે ૯૦ રૂપિયાની સપાટી પાર કરતાં ૯૦.૫૫ પર પહોંચ્યો હતો અને જૂન ૨૦૨૫માં તે પહેલી વાર ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. તેમાં પણ છેલ્લા એક સપ્તાહમાં તેમાં વધારે ધોવાણ થયું છે. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં એક યુરો ૯૫.૪૮ રૂપિયાનો હતો જ્યારે જૂનની શરૂઆતમાં તે ૯૭.૭૫ રૂપિયા હતો. ૨૩ જૂનના રોજ તેણે પ્રથમ વખત ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી હતી.
જોકે, ટ્રાવેલિંગ ખર્ચ વધ્યો હોવા છતાં યુરોપીયન દેશોમાં ફરવા જનારા ઈન્ડિયન્સની સંખ્યા વધી રહી છે. શેંગેન વિઝા ડેટા અનુસાર ૨૦૨૩માં ભારતમાંથી ૧.૩ મિલિયનથી વધુ વિઝા એપ્લિકેશન આવી હતી, જે તેને ટોચના ત્રણસ્ત્રોત દેશોમાંનો એક બનાવે છે. ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે વધી રહેલી આવક અને રજાઓ તથા વેકેશનમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો હોવાના કારણે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ વધી રહ્યું છે.(૩૮.૨)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
