<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

બદલાપુરમાંથી કિડનેપ કરાયેલી ૪ વર્ષની બાળકી ૨૪ કલાકમાં જ મધ્‍ય પ્રદેશમાંથી મળી

૨૪ કલાકમાં જ આ બાળકીને શોધવામાં પોલીસને સફળતા મળી

ભોપાલ,તા.૨૭: બદલાપુર-વેસ્‍ટમાં રમેશવાડીમાં રહેતી ૪ વર્ષની બાળકીનું તેના ઘરની નજીકથી જ અપહરણ કરવામાં આવ્‍યું હતું. ૨૪ કલાકમાં જ આ બાળકીને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બદલાપુર પોલીસ-સ્‍ટેશનના સિનિયર ઇન્‍સ્‍પેક્‍ટર અનિલ થોર્વેએ જણાવ્‍યું હતું કે ‘મંગળવારે બપોરે એક વાગ્‍યાની આસપાસ બાળકીના ઘરની નજીકથી જ એક અજાણ્‍યો માણસ તેનું અપહરણ કરીને તેને લઈ ગયો હતો. તેનાં મમ્‍મી-પપ્‍પાએ તેને બધે જ શોધી હતી, પણ બાળકી ન મળતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણી વ્‍યક્‍તિ સામે ફરિયાદ નોંધીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. એ માટે ૪ પોલીસટીમ કાર્યરત કરવામાં આવી હતી.'

CCTV કેમેરાનાં ફુટેજમાં સ્‍પષ્ટ દેખાતું હતું કે અપહરણકર્તા બાળકીને તેની સાથે લઈ ગયો હતો. ટેક્રિકલ સર્વેલન્‍સ અને ગુપ્તચરોની મદદથી પોલીસે ૨૪ કલાકમાં જ બાળકીને મધ્‍ય પ્રદેશના છિંદવાડામાંથી શોધી કાઢી હતી. આ સર્ચ-ઓપરેશનમાં છિંદવાડાની ઉમરેઠ પોલીસે મદદ કરી હતી.

ઇન્‍સ્‍પેક્‍ટર અનિલ થોર્વેએ જણાવ્‍યું હતું કે ‘બાળકીને બુધવારે બદલાપુર પાછી લાવવામાં આવી હતી તેમ જ અપહરણ કરનાર ૨૫ વર્ષના આરોપી રંજિત ધુર્વેની અટકાયત કરવામાં આવી છે. અપહરણ પાછળનો ઉદ્દેશ હજી જાણી શકાયો નથી.'

(10:02 AM IST)