<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

દેશની ૩૪૫ પાર્ટીનું ભવિષ્‍ય અંધકારમયઃ નોંધણી રદ્દ કરવા તૈયારી

૨૮૦૦થી વધુ રાજકીય પક્ષો પૈકી કેટલાક એવા પક્ષો છે, જેઓ ન તો ચૂંટણી લડી રહ્યા છે અને ન તો તેમની હાજરી સાબિત કરી શકયા છે

 

નવી દિલ્‍હી તા.૨૭: ભારતનું ચૂંટણી પંચ છેલ્લા ૭૫ વર્ષથી અસ્‍તિત્‍વ ધરાવે છે. જે દેશમાં સમયાંતરે ચૂંટણી કરાવે છે. જે તે રાજકીય પક્ષે પોતાના ચિન્‍હ સાથે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવાની હોય છે. જોકે હવે ચૂંટણી પંચ ૩૪૫ રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે આવો નિર્ણય કેમ લીધો છે?

ભારતના ચૂંટણી પંચ પાસે ૨૮૦૦થી વધુ પક્ષોએ નોંધણી કરાવેલી છે. આ પક્ષોનો રજિસ્‍ટર્ડ અનરજિસ્‍ટર્ડ પોલિટિકલ પાર્ટીઝની(RUPPs) યાદીમાં સમાવેશ થાય છે. પરંતુ આ ૨૮૦૦થી વધુ રાજકીય પક્ષો પૈકી કેટલાક એવા પક્ષો છે, જેઓ ન તો ચૂંટણી લડી રહ્યા છે અને ન તો તેમની હાજરી સાબિત કરી શકયા છે. ચૂંટણી પંચે આવા ૩૪૫ રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે જે ૩૪૫ રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, તે પક્ષોએ છેલ્લા ૬ વર્ષમાં એક પણ ચૂંટણી લડી નથી અને તેમના રજિસ્‍ટર્ડ સરનામે કોઈ કાર્યાલય મળ્‍યું નથી. તેથી ચૂંટણી પંચના લોક-તિનિધિત્‍વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૨૯એ અને ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, ૧૯૬૮ હેઠળ, તેની નોંધણી રદ કરવામાં આવશે. આ નિયમો જણાવે છે કે, જો કોઈ નોંધાયેલ પક્ષ સતત ૬ વર્ષ સુધી લોકસભા, વિધાનસભા અથવા સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓમાં ભાગ નથી લેતો, તો ચૂંટણી પંચ તેની નોંધણી રદ્દ કરી શકે છે.

રજિસ્‍ટર્ડ અનરજિસ્‍ટર્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPPs)માં નોંધાયેલા પક્ષો કાં તો નવા નોંધાયેલા હોય છે, અથવા એવા પક્ષો હોય છે જેમને વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં રાજ્‍ય કે રાષ્‍ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માટે પૂરતા મત મળ્‍યા નથી, અથવા જેમણે નોંધણી પછી કયારેય ચૂંટણી લડી નથી. આવા પક્ષોને માન્‍યતા પ્રાપ્ત પક્ષો જેવી બધી સુવિધાઓ મળતી નથી, પરંતુ તેમને સામાન્‍ય ચૂંટણી પ્રતીકની ફાળવણી જેવા કેટલાક અધિકારો મળે છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ૩૪૫ રાજકીય પક્ષોના નોંધાયેલા સરનામાંઓની ભૌતિક ચકાસણી હાથ ધરી હતી, જેમાં તેનું કોઈ અસ્‍તિત્‍વ ન હોવાનું જાણવા મળ્‍યું હતું. ચૂંટણી પંચે ૨૦૨૨માં આવા ૮૬ રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરી હતી અને ૨૫૩ પક્ષોને નિષ્‍ક્રિય જાહેર કર્યા હતા. પરંતુ આવા પક્ષો ઘણીવાર કર મુક્‍તિ, મની લોન્‍ડરિંગ અથવા અન્‍ય ગેરકાયદેસર પ્રવળત્તિઓને અંજામ આપતા હોય છે. તેથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.(૩૮.૧૪)

(10:22 AM IST)