તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 27th June 2025
જય રણછોડ...માખણ ચોર.... ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા
સવારે મંગળા આરતી, પહિન્દ વિધી બાદ રથયાત્રાનો પ્રારંભઃ સમગ્ર અમદાવાદ રથયાત્રામાં ઉમટયું : ઠેર ઠેર ભવ્ય સ્વાગતઃ ભગવાન ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘેર પહોંચ્યા : સરસપુર ખાતે ભાણેજ અને ભકતોને આવકારવા ભાવતા ભોજનીયા સાથે ભારે થનગનાટ : મામાના ઘેર ઢોલ, ત્રાંસા અને નગારાના સુરીલા સૂર વચ્ચે સ્વાગત સમયે ભક્તિના ઘોડાપૂર ઉમટયા, મામેરા દર્શન , ભક્તોએ ધન્યતા અનુભવી

રાજકોટ, તા. ર૭: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમીતભાઈ શાહ પરિવાર સહિત ભક્તો દ્વારે થયેલ મંગલા આરતી, ગાર્ડ ઓફ ઓનર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોના વેશે જે ત્રણ રથમાં બિરાજ્યા છે તેવા મુખ્ય રથની સોનાની સાવરણીથી અર્થાત્ પહિન્દ વિધિ પછી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ થયેલ રથયાત્રા ભગવાન જગન્નાથજીના મામાને ઘેર સરસપુર ખાતે પહોંચતા ભક્તિના ઘોડા પૂર ઉમટયા હતાં.
સરસપુર તથા આસપાસની પોળમાં ભાણિયા ભગવાન તથા તેમના અનુયાયીઑને ઢોલ નગારા સહિતના ભક્તિના સૂરો દ્વારા આવકારવામાં આવ્યા ત્યારે અદભુત દૃશ્યો સર્જાયા હતાં.
અત્રે એ યાદ રહે કે અહીં વર્ષોની પરંપરા મુજબ મામેરા ભરાઈ છે, અને આ મામેરા માટે વારો લખાવવો પડે છે, મામેરામાં સોનાના અનમોલ ઝવેરાત હોય છે. અહીં ભોજન પ્રસાદ બાદ લોકીને દર્શન આપતા આપતા ભગવાન નીજ મંદિર તરફ પ્રયાણ કરેલ.
ભાવિક ભક્તો જેની ચાતક નજરે વાટ જોતા હતા તેવી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાનો મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, મંદિરના મહંત, ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે, જય રણછોડ માખણ ચોર, અને ભક્તિરસમાં તરબોળ બહેનો દ્વારા હૈયામાં કોણ છે? રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓ સાથે સોનાની સાવરણી દ્વારા રથ સાફ કરી પ્રરંભ કરવામાં આવેલ. આ વિધિ પહીંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
જગતના નાથ નગરચર્યા પર ભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે સોનાના વેશ ધારણ કરી નીકળ્યા ત્યારે તેમને દેશના રથયાત્રાનો ઇતિહાસમાં સહુ પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ. રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની આગેવાની હેઠળ આ માન આપવામાં આવેલ.
આ રથયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પરંપરા જાળવી અને ભાવિક ભક્તો માટે પ્રસાદ મોકલવામાં આવ્યો છે. પ્રસાદની સામગ્રીમાં ડ્રાયફ્રુટ, ફ્રુટ, મગ અને ચોકલેટ સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરિંદુ ભગતે વડાપ્રધાનના દૂત તરીકે આ પ્રસાદ ભાવપૂર્વક અર્પણ કર્યો હતો. રથયાત્રાના પ્રારંભ સમયે પહિન્દ વિધિ બાદ મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજી સમક્ષ રાજ્યના તમામ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
રથયાત્રા પૂર્વે મંદિરમાં ભગવાન આંખે બંધાયેલ પાટા સાથે મંગલા આરતીનુ ખૂબ મહત્વ રહેલ છે લોકો રાતે ૧૨ વાગ્યાથી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં પ્રવેશ કરતા નજરે ચઢતા હતા. મંગલા આરતીમાં દેશના ગળહમંત્રી અમિતભાઇ શાહ સહિત પરિવાર સામેલ થયેલ. અમિતભાઈનુ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેરું સ્વાગત કરવામાં આવેલ.
અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાને લઈ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. પોલીસે ઓન વ્હીલ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. જમાલપુર દરવાજા પાસે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન, CCTVથી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ AI ટેકનોલોજીથી હાજર લોકોની માહિતી મળશે. AI ટેકનોલોજીથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં મદદ મળશે. ટેકનોલોજી સાથે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. મંદિરના દરવાજા પર પિનાક સોફટવેર સાથેના CCTV ગોઠવવામાં આવ્યા છે. ગુનાહિત ભૂતકાળ સાથે આરોપીઓની માહિતી સાથે નજર રખાશે. ગુનાહિત વ્યક્તિના મંદિર પ્રવેશ પર પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.
સંતો મહંતો અને ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો કીલો મોહનથાળ અને ફૂલવડી બનીને તૈયાર કરવામાં આવી છે, ત્યારે સાથે જ પુરી અને બટાકાનું શાક બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે.(તસ્વીરઃ કેતન ખત્રી)(૬.૧૭)

(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
