<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ભૂપેન્‍દ્રભાઈએ રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ જગન્નાથજીના પૂજા-અર્ચના કરી રાજ્‍યની સુખ-શાંતિ માટે પ્રાર્થના

ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા મહોત્‍સવ બની રહેશે - મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ AI ની મદદથી સુરક્ષા બંદોબસ્‍ત સઘન બનાવાયો

(વિજય વસાણી દ્વારા), ગાંધીનગર અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૮મી ઐતિહાસિક રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્‍યા આરતીમાં ભક્‍તિભાવપૂર્વક સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈએ ધન્‍યતા અનુભવી હતી અને રાજ્‍યના નાગરિકોની સુખ, શાંતિ અને સમળદ્ધિ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્‍યા આરતી કર્યા બાદ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સૌ નાગરિકોને રથયાત્રાની શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્‍યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે એક સામાજિક સમરસતા મહોત્‍સવ બની છે. તેમણે ઉમેર્યું કે, આવતીકાલે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે અને ભક્‍તોને સામે ચાલીને દર્શન આપવાના છે.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈએ ભારતીય સંસ્‍કળતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્‍યક્‍ત કરી કે, રથયાત્રા માટેનો સૌનો ઉત્‍સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્‍યના નાગરિકોની સુખ, શાંતિ અને સમળદ્ધિ સતત વધતી રહે. ભગવાન જગન્નાથજીની કળપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે તેમણે ભગવાનના ચરણોમાં -ગાઢ પ્રાર્થના કરી હતી.

આ અવસરે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રથયાત્રાના સુરક્ષા બંદોબસ્‍ત અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું કે, રાજ્‍ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આ રથયાત્રા માટે AI (આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ) ની મદદથી સુરક્ષા બંદોબસ્‍તને વધુ સઘન બનાવવામાં આવ્‍યો છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય. આ ઉપરાંત, ભાવિકોની સુવિધા માટે ૧૭ જેટલાં નાગરિક સહાયકતા કેન્‍દ્રો પણ ઊભાં કરવામાં આવ્‍યા છે.

આ ભક્‍તિમય પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, સહકાર રાજ્‍ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ દિનેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, સ્‍થાનિક ધારાસભ્‍યો, અમ્‍યુકોના ડેપ્‍યુટી મેયર જતીન પટેલ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક સહિત બહોળી સંખ્‍યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા. (તસ્‍વીરોઃ નિમિષ ગણાત્રા) 

(11:35 AM IST)