News of Friday, 27th June 2025
ટ્રમ્પને લીધે નબળો પડી રહ્યો છે ડોલર, ત્રણ વર્ષની નીચલા સ્તરે પહોંચ્યો
ભારતીય રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થઈ રહ્યો છે

વોશીંગ્ટન, તા.૨૭: પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ રેટ કટના મુદ્દે ફેડરલ રિઝર્વના ચેર જેરોમ પોવેલ પર બરાબરના અકળાયા છે, અને તેમણે અમેરિકાની મધ્યસ્થ બેંકની સ્વાયતતા ઘટાડવાની વાતો પણ કરી છે. હાલમાં જ તેમણે ફરીથી ફેડ રિઝર્વની સ્વતંત્રતામાં ઘટાડો કરવાના સંકેતો આપ્યા હતા જેને અસર ડોલર પર પડી રહી છે. ઈન્વેસ્ટર્સમાં ગભરાહટનો માહોલ છે, અને તેને લીધે ડોલર ત્રણ વર્ષમાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
જાન્યુઆરીમાં સત્તા પર આવ્યા ત્યારથી તેઓ જેરોમ પોવેલ પર રેટ કટનું પ્રેશર કરી રહ્યા છે, પરંતુ પોવેલ તેમની મનમાની થવા દેતા નથી, જેથી અકળાયેલા ટ્રમ્પ તેમના વિશે બેફામ બોલી રહ્યા છે. તેમણે પોવેલને પદ પરથી હટાવવાની વાત કરી હતી. હાલમાં જ ટ્રમ્પે પોવેલને ભયંકર કહ્યા હતા, અને કહ્યું હતું કે, ફેડ ચેરના પદ માટે તેમણે ત્રણ-ચાર લોકોના નામ વિચારી રાખ્યા છે.
વર્તમાન સપ્તાહની શરૂઆતમાં પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાના કારણે ડોલરમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ગુરૂવારે તે અન્ય મેજર કરન્સીની તુલનામાં તાજેતરના વર્ષોમાં તેના નીચલા સ્તરે પહોંચ્યો હતો. ૨૦૨૫માં અત્યાર સુધી ડોલરમાં ૧૦ ટકાનું ધોવાણ થયું છે અને ૨૦૦૩ બાદ તે તેના સૌથી ખરાબ વર્ષ તરફ આગળ વધી રહ્યો છે. આગામી ફેડ ચીફના મુખ્ય દાવેદારોમાં ભૂતપૂર્વ ફેડ ગવર્નર કેવિન વોર્શ, નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના વડા કેવિન હેસેટ, વર્તમાન ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલર અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ એવા જ વ્યક્તિની નિમણૂક કરી શકે છે જે તેમની વાત માનવા માટે સહમત હોય. આમ પણ જ્યારથી તે સત્તા પર આવ્યા છે ત્યારથી ઘણા મહત્વના પદો પર તેમણે પોતાના જ માણસો સેટ કરી દીધા છે. બીજી તરફ ભારતીય રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થઈ રહ્યો છે અને ગુરૂવારે તે છેલ્લા ૧૫ દિવસમાં તેની ટોચ પર પહોંચ્યો હતો. ગુરૂવારે રૂપિયો ૦.૪% વધીને ૮૫.૭૦૫૦ પ્રતિ યુએસ ડોલર પર બંધ થયો હતો. જ્યારે ડોલર ઈન્ડેક્સ માર્ચ ૨૦૨૨ પછીના તેના સૌથી નીચલા સ્તરે આવી ગયો હતો, અને છેલ્લે ૯૭.૧% પર ક્વોટ થયો હતો. આમ ટ્રમ્પની પોલિસી અને ફેડ ચેર પોવેલ સાથેની લડાઈનું નુકસાન ડોલરને ઉઠાવવું પડી રહ્યું છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
