<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

IPL થી જાણીતા ક્રિકેટર યશ દલાલ મોટા વિવાદમાં ફસાયો : મહિલા દ્વારા જાતીય શોષણ, હિંસા અને છેતરપિંડીનો આરોપ

પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ડાબોડી ફાસ્ટ બોલર સામે કાર્યવાહીની માંગ કરી: ન્યાય માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય પોલીસને અપીલ કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગથી પ્રખ્યાત થયેલા ભારતીય ક્રિકેટર યશ દયાલ એક મોટા વિવાદમાં ફસાઈ ગયા છે. તાજેતરમાં IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર યશ દયાલ પર એક મહિલા દ્વારા જાતીય શોષણ, હિંસા અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ડાબોડી ફાસ્ટ બોલર સામે કાર્યવાહીની માંગ કરી છે. પીડિત મહિલાએ આ મામલે ન્યાય માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય પોલીસને અપીલ કરી છે

પીડિત મહિલાએ સીએમ હેલ્પલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. મહિલાએ આ પોસ્ટમાં દયાલ સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો. પોતાની ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો છે કે તે છેલ્લા 5 વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી પરંતુ આ ખેલાડીએ લગ્નની લાલચ આપીને તેનું ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કર્યું. મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે ક્રિકેટરે તેને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો, ત્યારે તેણે તેને તેની ભાવિ પુત્રવધૂ તરીકે રજૂ કરી અને તેને વિશ્વાસમાં લીધી. 

મહિલાએ પોતાની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ક્રિકેટર તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે તેની જાણ થતાં જ તેણે વિરોધ કરવાનું શરૂ કરી દીધું અને ત્યારબાદ તેને શારીરિક હિંસા અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ક્રિકેટરે આ જ રીતે બીજી ઘણી મહિલાઓ સાથે નકલી સંબંધો બનાવ્યા હતા. પીડિતાએ પોલીસ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે 14 જૂને મહિલા હેલ્પલાઇન પર કેસની ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારબાદ તેને સીએમ હેલ્પલાઇનની મદદ લેવાની ફરજ પડી હતી .

(9:58 PM IST)