<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ગાઝાના સાબ્રા વિસ્તારમાં લક્ષિત હવાઈ હુમલોમાં હમાસના ટોચના લશ્કરી નેતા હાકેમ મોહમ્મદ ઈસા અલ-ઈસાનો ખાતમોઃ IDFએ કર્યો દાવો

હાકેમ મોહમ્મદ ઈસા અલ-ઈસાને આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે હમાસની લશ્કરી પાંખના સ્થાપક સભ્યોમાંથી એક હતો.


ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં લક્ષિત હવાઈ હુમલો કરીને હમાસના ટોચના લશ્કરી નેતા હાકેમ મોહમ્મદ ઈસા અલ-ઈસાને ઠાર કરવામાં આવ્યા છે. અલ-ઈસા એ 7 ઓક્ટોબર 2023ના ઇઝરાયલ પર થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે હમાસની લશ્કરી પાંખના સ્થાપક સભ્યોમાંથી એક હતો.
IDF દ્વારા જણાવાયું હતું કે અલ-ઈસાએ હમાસની લશ્કરી તાકાત વધારવા, નવા લશ્કરી લોકોને તાલીમ આપવા અને હુમલાઓની યોજનાઓ તૈયાર કરવાના કામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 7 ઓક્ટોબરના હુમલાનું આયોજન પણ તેનાં હાથે થયું હોવાનું મનાય છે. ઉપરાંત તેણે હમાસના હવાઈ હુમલાઓ અને નૌકાદળના મિશનો માટે પણ વ્યૂહરચના બનાવી હતી.
IDF અને ઇઝરાયલ સુરક્ષા એજન્સી (ISA) એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે 7 ઓક્ટોબરના હુમલામાં જોડાયેલા તમામ આતંકવાદીઓને શોધીને નષ્ટ કરવા માટે તેઓ સતત અભિયાન ચલાવશે. IDF અનુસાર, અલ-ઈસા હમાસની જનરલ સિક્યુરિટી કાઉન્સિલનો સભ્ય, તાલીમ કેન્દ્રનો વડો અને અલ-કાસમ બ્રિગેડની લશ્કરી એકેડેમીનો સહ-સ્થાપક હતો. અહીં તેણે હજારો હમાસના લશ્કરી કાર્યકર્તાઓને તાલીમ આપી અને તેમની ટેકનિકલ ક્ષમતાઓ વિકસાવામાં મદદ કરી હતી.
IDF એ વધુમાં જણાવ્યું હતું કે અલ-ઈસાએ સીરિયા અને ઇરાકમાં લશ્કરી તાલીમ મેળવી હતી અને 2005માં તે સીરિયાથી ગાઝા આવ્યો હતો, ત્યારબાદ તેણે હમાસના લશ્કરી સંગઠનમાં એક અગત્યની ભૂમિકા ભજવી હતી. આ ઘટનાએ ફરી એકવાર ઇઝરાયલ અને હમાસ વચ્ચેના વધતા તણાવને આગળ વધારી હતી અને ઇઝરાયલના આતંક વિરોધી અભિયાનની ગંભીરતા દર્શાવી છે.

(11:06 AM IST)