News of Sunday, 29th June 2025
યુક્રેન પર રશિયાનો 3 વર્ષમાં સૌથી મોટો હુમલો 477 ડ્રોન અને 60 મિસાઈલ છોડાઈ : હાહાકાર
આ હુમલા બાદ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નોને મોટો ઝાટકો લાગ્યો

રશિયાએ શનિવાર અને રવિવારની રાત્રે યુક્રેન (Russia Ukraine War) પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયાના આ હુમલા બાદ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નોને મોટો ઝાટકો લાગ્યો છે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલો અભૂતપૂર્વ સ્તરે કરવામાં આવ્યો હતો. તેના કારણે યુક્રેનને મોટું નુકસાન થવાની ભીતિ છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.
યુક્રેનના વાયુસેનાની માહિતી પ્રમાણે રશિયાએ હુમલા દરમિયાન કિવ પર કુલ 477 ડ્રોન અને 60 મિસાઇલો છોડ્યા હતા. જોકે યુક્રેનિયન સેનાએ આ પૈકી 249 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે 226 ડ્રોન અને મિસાઇલોને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા જામ કરવામાં આવ્યા હતા.
વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ હુમલો યુક્રેન પર કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. જેમાં અનેક પ્રકારના મિસાઇલો અને ડ્રોનનો સમાવેશ થતો હતો.
અત્યાર સુધી રશિયાનું ધ્યાન પૂર્વીય ક્ષેત્ર પર રહ્યું છે પરંતુ આ વખતે હુમલાએ પશ્ચિમ યુક્રેનને પણ હચમચાવી નાખ્યું છે. સૈન્યનું કહેવું છે કે હુમલાઓ ફક્ત ફ્રન્ટલાઈન વિસ્તારોને જ નહીં પરંતુ યુદ્ધ રેખાઓથી દૂરના વિસ્તારો, જેમ કે પશ્ચિમ યુક્રેનને પણ નિશાન બનાવ્યા હતા. તેનો હેતુ સમગ્ર દેશમાં અસ્થિરતા પેદા કરવાનો હતો.
હુમલા બાદ પોલેન્ડની વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ. તેમણે કહ્યું કે આ જેટ વિમાનો આપણા પોતાના હવાઈ ક્ષેત્ર અને આપણા સાથી દેશોના હવાઈ ક્ષેત્રના રક્ષણ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
