<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની જમાવટ :દિલ્હી- યુપી અને હરિયાણામાં વરસાદ : હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડ્યો :ઓડિશાના મયુરભંજના કેટલાક ભાગોમાં વરસાદ

નવી દિલ્હી : ગુજરાત, દિલ્હી, UP સહિત અનેક રાજ્યોમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં રવિવારે સવારથી શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ નોંધાયો છે. તે જ સમયે, પર્વતોની રાણી શિમલામાં વરસાદ બાદ હવામાન ઠંડુ થઈ ગયું છે. આ સાથે, IMD એ 29 જૂને વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાની પણ આગાહી કરી છે. અહીં વાંચો હવામાન વિભાગે કયા અન્ય જિલ્લાઓ માટે હળવાથી ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.

29 જૂને દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. ઓડિશાના મયુરભંજના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો. તે જ સમયે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદના વીડિયો સામે આવ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડ્યો હતો. IMD એ શહેરમાં વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. શિમલામાં વરસાદ બાદ હવામાન ખુશનુમા બની ગયું છે. 29 જૂને IMD એ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસુ 29 જૂન, 2025 ના રોજ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે. 

હરિયાણાના કરનાલ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. IMD અનુસાર, શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને એક-બે વાર વરસાદ કે ગાજવીજ પડવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાના કારણે ઘણા લોકો ગુમ થયા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે, સમગ્ર દેશમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે, જેનો સમય 8 જુલાઈ જણાવવામાં આવી રહ્યો હતો.

ગુજરાતના 160 તાલુકામાં વરસાદ ગુજરાતમાં સાંજના 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ, ગુજરાતના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે મહેસાણાના કડીમાં 3.58 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. કલોલમાં 2.5 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ, દેત્રોજમાં 1.85 ઈંચ, સાવલીમાં 1.61, 10 તાલુકામાં 1 ઈંચથી દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનના કારણે વરસાદ છે. 2થી 3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવે છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ છે. બેથી ત્રણ જુલાઈ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(8:13 PM IST)