<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ચારધામ યાત્રા બાદ હવે આદિ કૈલાશ યાત્રા પણ ભૂસ્ખલનના કારણે થંભી: ૨૦૦ યાત્રાળુ ફસાયા: રેસ્ક્યુ : જુઓ વિડિઓ

 

 

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા બાદ હવે આદિ કૈલાશ યાત્રા પર પણ બ્રેક લાગી ગઈ છે. પિથોરાગઢ જિલ્લામાં ભારે ભૂસ્ખલન થતાં આદિ કૈલાશ યાત્રા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દોબાટ, તવાઘાટ અને કુલાગાડ નજીક રસ્તા પર મોટી ચટ્ટાનો અને કાટમાળ આવી જતાં દિવસભર વાહનવ્યવહાર ઠપ્પ રહ્યો હતો.

 

 

તાજેતરના અહેવાલો મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પહાડો પરથી મોટા પથ્થરો અને માટી રસ્તા પર ધસી રહ્યા છે. આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહેલા ૨૦૦ જેટલા યાત્રાળુઓ માર્ગ બંધ થવાને કારણે ફસાયા હતા. 

 

 

સ્થાનિક પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરીને ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બી આર ઓ)ની ટીમો યુદ્ધના ધોરણે રસ્તો ફરીથી ખોલવા માટે કામ કરી રહી છે, પરંતુ સતત ભૂસ્ખલન અને ખરાબ હવામાનના કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. 

 

 

યાત્રાળુઓને સલામતીને ધ્યાનમાં રાખીને, જ્યાં સુધી માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત ન થાય ત્યાં સુધી યાત્રા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

આ અગાઉ પણ મે મહિનામાં પણ આદિ કૈલાશ યાત્રા માર્ગ પર એલાગાડ નજીક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે સેંકડો યાત્રાળુઓ ફસાયા હતા. ચોમાસાની શરૂઆત સાથે જ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો વધી ગયો છે, જેને કારણે યાત્રાળુઓની સુરક્ષા એક મોટો પડકાર બની રહી છે.

 

 

વહીવટીતંત્ર યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યાત્રા શરૂ ન કરવા અપીલ કરી રહ્યું છે.

(9:30 AM IST)