News of Monday, 30th June 2025
૭૦ વર્ષનાં મહિલા ડોક્ટરને ૮ દિવસ ડિજિટલ-અરેસ્ટમાં રાખીને ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા ગઠિયાઓએ

નવી દિલ્હી,તા.૩૦: મની-લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું જણાવીને સાઇબર ક્રિમિનલે ૭૦ વર્ષનાં મહિલા ડોક્ટર પાસેથી ૩ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ટેલિકોમ કંપનીના અધિકારી બનીને સ્કેમરે મહિલા ડોક્ટરને કહ્યું હતું કે તેમની અંગત માહિતી ધરાવતું સિમ કાર્ડ ગુનાહિત પ્રવળત્તિઓ સાથે સંડોવાયેલું છે. એના થોડા દિવસ પછી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર સમાધાન પવારના નામે તેમને કોલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તેમનું બેન્ક-અકાઉન્ટ અને ડેબિટ કાર્ડની ડીટેલ એક એર લાઇન્સ કંપનીના માલિકના ઘરે રેઇડ પાડી એમાંથી મળી આવી છે. એર લાઇન્સ કંપનીના માલિક અગાઉ મની-લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા, અત્યારે તે જામીન પર બહાર આવ્યા છે.
આઠ દિવસ સુધી આ મહિલા ડોક્ટરને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના વિવિધ બનાવટી અધિકારીઓના ફોન આવતા રહ્યા અને તપાસ માટે તેમને વિડિયો-સર્વેલન્સમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યાં છે એમ જણાવવામાં આવ્યું હતું. દર કલાકે તેમને વિડિયો-કોલ કરવામાં આવતો હતો તેમ જ આ સમયગાળા દરમ્યાન તેમની પાસેથી ૩ કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ૫ જૂને મહિલા ડોક્ટરે વેસ્ટ રીજન સાઇબર પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરતાં જણાયું હતું કે સ્કેમર્સે ૮૨ લાખ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી લઈ લીધી છે. આ કેસમાં વધુ તપાસ કરીને પૈસા પરત મેળવવાનો પ્રયત્ન ચાલુ છે એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.(૪૦.૧૩)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
