<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

આ વર્ષે અમરનાથ યાત્રા ઉપર ડબલ જોખમ: આતંકી હુમલાઓનો ખતરો ટોચ ઉપર પરંતુ સાથોસાથ હવામાનનો ખતરો પણ વધ્યો

૪૨૦૦૦ જવાનો ખડે પગે તૈનાત: ૪ દિવસ પછી ૩જી જુલાઈથી યાત્રા શરૂ થશે: સુરક્ષા દળોએ સફળ મોક ડ્રીલ યોજી: ચોવીસે કલાક જવાનોનું પેટ્રોલિંગ ચાલુ: આધુનિક ડ્રોનથી એક એક ખૂણામાં બાજ નજર

 

 

 

*બાલતાલ અને પહેલગામ માર્ગ ઉપર ૧૦૦ બેડની ડીઆરડીઓ હોસ્પિટલો કાર્યરત:  વેન્ટિલેટર અને ક્રિટિકલ કેર યુનિટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ: એમ્બ્યુલન્સ સેવાઓ ખડે પગે*

 

 

*અત્યારથી જ ખરાબ થઈ રહેલા હવામાનના કારણે યાત્રા પ્રબંધોમાં આવી રહેલી મુશ્કેલીઓ સામે પ્રશાસન ઝઝૂમી રહ્યું છે: ત્યારે અમરનાથ યાત્રાના દિવસોમાં, જ્યારે ચોમાસું પુરબહારમાં હશે, ત્યારે ભાવિકોની જબ્બર ભીડને કેવી રીતે સંભાળવામાં આવશે, તેનો કોઈ પાસે જવાબ નથી*

 

 

 

જમ્મુ: ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદીઓના નિશાન પર ટોચ પર આવતા અમરનાથ યાત્રા એક પડકારરૂપ બનીને સામે આવી છે. એક તરફ ખરાબ હવામાન અને બીજી તરફ આતંકી હુમલાનો ખતરો. ત્રીજું, કાશ્મીરના મૃતપ્રાય બનેલા પર્યટનમાં નવો પ્રાણ ફૂંકવા માટે યાત્રાને પર્યટન બજારમાં બદલવાના પ્રયાસો. આ બધાને જોડીને સત્તાવાર અને સુરક્ષા મોરચેથી મળતી ચેતવણી એ જ કહે છે કે જો અમરનાથ યાત્રાને જોખમોથી મુક્ત કરવી હોય તો તેને પર્યટન બજારમાં ન બદલવામાં આવે, કારણ કે આતંકવાદીઓ માટે તે સરળ લક્ષ્ય (સોફ્ટ ટાર્ગેટ) બની શકે છે. જોકે, સત્તાવાર રીતે યાત્રા પર કોઈ તાત્કાલિક ખતરો માનવામાં આવતો નથી.

 

અમરનાથ યાત્રા માટે ૪૨૦૦૦ જવાનો ખડે પગે તૈનાત છે. ચાર દિવસ પછી ૩જી જુલાઈથી યાત્રા શરૂ થશે ત્યારે સુરક્ષા દળોએ સફળ મોક ડ્રીલ યોજી હતી. ચોવીસે કલાક જવાનોનું પેટ્રોલિંગ ચાલુ છે અને આધુનિક ડ્રોનથી એક એક ખૂણામાં બાજ નજર રાખવામાં આવી રહી છે. હાઈ એલર્ટ સાથે અભેદ્ય સુરક્ષાનો ફુલ પ્રુફ પ્લાન અમલમાં મુકાયો છે 

 

 

દરમિયાન અમરનાથ યાત્રાળુઓ માટે બાલતાલ અને પહેલગામ માર્ગ ઉપર ૧૦૦ બેડની ડીઆરડીઓ હોસ્પિટલો કાર્યરત બની છે, જેમાં વેન્ટિલેટર અને ક્રિટિકલ કેર યુનિટ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. એમ્બ્યુલન્સ સેવાઓ પણ ખડે પગે રહેશે. લંગરની સેવાઓમાં હેલ્ધી ડાયટ ચાર્ટનું પાલન કરાવવા અપીલ કરાશે.

 

 

જમ્મુ-કાશ્મીર પ્રશાસને પ્રદેશમાં અમરનાથ યાત્રાના સમગ્ર માર્ગને આતંકવાદી હુમલાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ જાહેર કર્યો છે. સુરક્ષા એજન્સીઓને બરફાની બાબાના દર્શને આવી રહેલા ભાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવશ્યક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે તમામ સંબંધિત એજન્સીઓને જણાવ્યું છે કે સુરક્ષા પરિદ્રશ્ય અને યાત્રા ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લેતા, યાત્રીઓ પર આતંકવાદી હુમલાનો ખતરો છે. 

 

 

યાત્રાની સંવેદનશીલતા અને પ્રખ્યાતિના કારણે તે આતંકવાદી હુમલા માટે ખૂબ સંવેદનશીલ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્દેશમાં સેના, પોલીસ અને અન્ય સુરક્ષા દળોને ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

 

 

શ્રાઇન બોર્ડે અમરનાથ યાત્રામાં સામેલ થવા માટે લાખો લોકોને આમંત્રણ તો આપ્યું છે, પરંતુ હવે તે પરેશાન છે. તેની પરેશાનીનું કારણ બદલાતી પરિસ્થિતિઓ તો છે જ, પણ બદલાતું હવામાન પણ છે. જો પરિસ્થિતિઓની ચર્ચા કરીએ તો, એવી વાતો સામે આવી રહી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાને સરળ લક્ષ્ય તરીકે જોઈ શકે છે. હાલમાં કોઈ આતંકવાદી જૂથ તરફથી કોઈ ચેતવણી મળી નથી કે કોઈ સંગઠને અમરનાથ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ મળતી ગુપ્ત માહિતીઓ પ્રશાસનને પરેશાન કરી રહી છે.

 

 

સુરક્ષા અધિકારીઓ અનુસાર, જેમના ખભા પર યાત્રાની જવાબદારી છે, આટલી મોટી ભીડને સંભાળવી અને સુરક્ષા પૂરી પાડવી સહેલી વાત નથી. એક અધિકારીએ જણાવ્યું કે, "પહેલા પણ આતંકવાદીઓ તમામ સુરક્ષા પ્રબંધોને અવગણીને ઘણી વખત અમરનાથ યાત્રીઓ પર હુમલો કરવામાં સફળ રહ્યા છે. હવે જો આટલી ભીડ હશે તો કોને ક્યાં સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જ્યારે સરકાર યાત્રા કરનારાઓને પર્યટક તરીકે કાશ્મીરના અન્ય પર્યટન સ્થળો તરફ પણ આકર્ષિત કરવા ઈચ્છે છે."

 

 

આ ચિંતામાં હવામાનની ચિંતા પણ પોતાની અગત્યની ભૂમિકા ભજવી રહી છે. હવામાન વિભાગ પણ આ વખતે અત્યારથી જ ચેતવણી જારી કરવા લાગ્યું છે કે યાત્રા માર્ગ પર આ વખતે હવામાન વધુ ખરાબ થઈ શકે છે. જોકે, અત્યારથી જ આ ખરાબ થઈ રહેલા હવામાનના કારણે યાત્રા પ્રબંધોમાં આવી રહેલી મુશ્કેલીઓથી પ્રશાસન ઝઝૂમી રહ્યું છે, ત્યારે અમરનાથ યાત્રાના દિવસોમાં, જ્યારે ચોમાસું પુરબહારમાં હશે, ત્યારે લાખોની ભીડને કેવી રીતે સંભાળવામાં આવશે, તેનો કોઈ જવાબ આપવા તૈયાર નથી.

(1:15 PM IST)