News of Monday, 30th June 2025
ગુજરાતના DGP પદ પર જબ્બર સસ્પેન્સ : ધર્મસંકટમાં મૂકાયેલ DGPના સ્ટાફે અંતે વચલો રસ્તો શોધી કાઢ્યો! : DGP વિકાસ સહાયની વિદાયનો તખ્તો ગોઠવાયો!
વર્તમાન DGP વિકાસ સહાયની નિવૃત્તિ સમયે ભાજપ સરકારની 'અનોખી સ્ટાઈલ' યથાવત્ : એક્સટેન્શન, ચાર્જ કે નિયમિત નિમણૂક અંગે સ્પષ્ટતાના અભાવે DGP ઓફિસે વિદાય સમારોહની તૈયારીઓ આરંભી : ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને હર્ષ સંઘવી વચ્ચેની દોઢ કલાકની ચર્ચાએ રહસ્ય ઘેરું બનાવ્યું

રાજકોટ, તા. ૩૦ જૂન, ૨૦૨૫:
ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP) પદને લઈને ભારે સસ્પેન્સ અને અટકળોનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, જેઓ પોતાની સ્વચ્છ છબી અને નિર્વિવાદી કાર્યકાળ માટે જાણીતા છે, તેઓ વયમર્યાદાના કારણે નિવૃત થઈ રહ્યા છે. આવા સમયે, ભાજપ સરકારે પોતાની આગવી શૈલી મુજબ કલ્પનાના ઘોડા દોડાવતા અને સસ્પેન્સ યથાવત રાખતા, મુખ્ય પોલીસ વડાની કચેરીના સ્ટાફ અને જવાબદાર અધિકારીઓ માટે એક ધર્મસંકટ સર્જાયું છે.
ધર્મસંકટમાં મૂકાયેલ DGPના સ્ટાફે અંતે વચલો રસ્તો શોધી કાઢ્યો:
નિયમ અનુસાર ન તો વિકાસ સહાયને એક્સટેન્શન આપવા અંગે કોઈ દરખાસ્ત થઈ છે કે ન તો નવા મુખ્ય પોલીસ વડાની નિયમિત નિમણૂક અંગે કોઈ સ્પષ્ટતા. આવા સંજોગોમાં, ધર્મસંકટમાં મૂકાયેલ મુખ્ય પોલીસ વડાના સ્ટાફે અંતે વચલો રસ્તો શોધી કાઢ્યો છે. મોડી જાણ થાય તો આયોજનમાં મુશ્કેલી ન થાય તે હેતુથી, DGP ઓફિસે વિકાસ સહાયની વિદાયનો તખ્તો ગોઠવી નાખ્યો છે. નિયમાનુસાર, મુખ્ય પોલીસ વડા નિવૃત થાય ત્યારે તેમને સુશોભિત ખુલ્લી જીપમાં બેસાડી, બેન્ડ સાથે જીપ ખેંચી વિદાય આપવામાં આવે છે, અને આ માટેની તૈયારીઓ DGP ઓફિસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
અમિતભાઈ શાહ-હર્ષ સંઘવીની દોઢ કલાકની ચર્ચા પાછળનું રહસ્ય:
દરમિયાન, રાજ્યના ગૃહમંત્રી અને ગૃહ વિભાગના વડા હાલ વિદેશમાં છે, જેના કારણે આ મામલે કોઈ તાત્કાલિક નિર્ણય આવી શક્યો નથી. મુખ્ય પોલીસ વડાની કચેરી દ્વારા રેગ્યુલર પર્ફોર્મ મુજબ વિદાય કાર્યક્રમ તૈયાર કરી જાહેર પણ કરી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર સસ્પેન્સ પાછળનું એક મોટું રહસ્ય તાજેતરમાં અમદાવાદની રથયાત્રા સમયે થયેલી એક બેઠકમાં છુપાયેલું હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રથયાત્રા સમયે મંગલા આરતીમાં ભાગ લેવા આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આ મામલે દોઢ કલાક સુધી ચર્ચા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ચર્ચામાં જ નવા DGPની પસંદગી અને વર્તમાન DGPને ચાર્જ સોંપવા સહિતના તમામ રહસ્યો છુપાયેલા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વર્તમાન સંજોગો જોતા, નવા મુખ્ય પોલીસ વડાની નિયમિત નિમણૂક થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, અને મોટાભાગે કોઈ અધિકારીને ચાર્જ સોંપવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ સરકાર આ સસ્પેન્સ ક્યારે દૂર કરે છે અને ગુજરાતને નવા મુખ્ય પોલીસ વડા ક્યારે મળે છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
