News of Monday, 30th June 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની G7 મુલાકાતનો તાત્કાલિક પ્રભાવ : કેનેડાની ખાલિસ્તાનીઓને કડક ચેતવણી – "આતંકવાદ ફેલાવનારાઓને જેલ અને પ્રત્યાર્પણનું જોખમ!"
કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા ચરમપંથી ખાલિસ્તાની કાર્યકર્તાઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કરાયા : ભારતમાં હિંસા ફેલાવનારા જૂથો કેનેડાની છબી અને હિતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે : શરણાર્થી અરજદારોને પણ ચેતવણી

ઓટાવા: G7 સંમેલનમાં ભાગ લેવા કેનેડા ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ બાદ કેનેડાની સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કેનેડાની મુખ્ય સુરક્ષા એજન્સી, કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS), એ સત્તાવાર રીતે ચરમપંથી ખાલિસ્તાની કાર્યકર્તાઓને કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્પષ્ટ ખતરો ગણાવ્યા છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની ગતિવિધિઓ મુદ્દે તણાવ પ્રવર્તી રહ્યો હતો.
શાંતિપૂર્ણ માંગણીઓ ચરમપંથ નથી, પરંતુ હિંસક પ્રવૃત્તિઓ ખતરો:
CSIS ના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે ખાલિસ્તાનની માંગ કરવી એ ચરમપંથ નથી. જોકે, રિપોર્ટ ભારપૂર્વક કહે છે કે એક નાનો સમુહ કેનેડામાં રહીને ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવામાં, તેની યોજના બનાવવામાં અને તેને ભંડોળ પૂરું પાડવામાં સામેલ છે, જેને હવે સત્તાવાર રીતે "ખાલિસ્તાની ચરમપંથી" તરીકે માનવામાં આવ્યો છે. આ ભેદરેખા સ્પષ્ટ કરીને કેનેડા સરકારે તેના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.
CBKES પર કડક નજર: કેનેડાની પ્રતિષ્ઠાને પણ નુકસાન!
Canada-Based Khalistani Extremist Supporters (CBKES) એટલે કે કેનેડા-સ્થિત ખાલિસ્તાની ચરમપંથી સમર્થકો દ્વારા ૨૦૨૪માં કેનેડામાં કોઈ હિંસક હુમલો થયો ન હોવા છતાં, તેમની પ્રવૃત્તિઓ ભારતમાં હિંસા અને અસ્થિરતા ફેલાવવામાં સક્રિય છે. CSIS રિપોર્ટ અનુસાર, આ જૂથો માત્ર ભારત માટે જ નહીં, પરંતુ કેનેડાની પોતાની છબી અને હિતોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમની પ્રવૃત્તિઓ કેનેડા સરકારની વિશ્વસનીયતા પર પણ નકારાત્મક અસર પાડી રહી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાની પ્રતિષ્ઠા માટે ચિંતાનો વિષય બન્યો છે.
શરણાર્થી અરજદારોને ગંભીર ચેતવણી: જેલ અને પ્રત્યાર્પણનું જોખમ!
આ મામલે પ્રવાસી બાબતોના જાણકાર જસ ઓબેરોયે સોશિયલ મીડિયા પર અત્યંત કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, "જો તમે કેનેડામાં ખાલિસ્તાનનો હવાલો આપીને શરણ (Asylum) લઈ રહ્યા છો અને પૈસા આપીને સમર્થન પત્ર ખરીદી રહ્યા છો, તો સમજી લો કે તમે એવી પ્રવૃત્તિને ભંડોળ પૂરું પાડી રહ્યા છો જેને કેનેડા હવે આતંકવાદ માની રહ્યું છે." ઓબેરોયે ભારપૂર્વક જણાવ્યું કે આવા કિસ્સાઓમાં લોકોને ધરપકડ, ભારત પ્રત્યાર્પણ (Extradition), અને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. તેમણે શીખ સમુદાયને આ બાબતને ગંભીરતાથી લેવા અપીલ કરી, "આ હવે ફક્ત રાજકારણ નથી રહ્યું, આ હવે ગુનાહિત ખતરાનો મામલો છે."
નિશાને ફક્ત હિંસક તત્વો: શાંતિપૂર્ણ સમર્થકો સુરક્ષિત!
CSIS એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બધા ખાલિસ્તાન સમર્થકો ચરમપંથી નથી. ફક્ત તે લોકો જે હિંસા, કટ્ટરપંથી પ્રચાર અને ભંડોળ માં સામેલ છે, તેમને જ ચરમપંથી માનવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો જે શાંતિપૂર્ણ રીતે ખાલિસ્તાનના પક્ષમાં વિચાર ધરાવે છે, તેઓ આ દાયરામાં આવતા નથી અને તેમને સુરક્ષા સંબંધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની G7 મુલાકાત બાદ કેનેડા દ્વારા લેવાયેલું આ કડક વલણ ભારત-કેનેડા સંબંધો સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં મદદરૂપ થશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
