<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

નવી મુંબઈમાં વિચિત્ર કિસ્સો :આધેડે છેલ્લા 3 વર્ષથી ડિપ્રેશનને કારણે પોતાને એક રૂમમાં બંધ કરી રાખ્યા

55 વર્ષીય અનુપ કુમાર નાયર માનસિક હતાશા, એકલતા અને કૌટુંબિક દુર્ઘટનાઓથી એટલા તૂટી ગયા હતા કે તે બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા

નવી મુંબઈથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 55 વર્ષીય એક વ્યક્તિ છેલ્લા 3 વર્ષથી ડિપ્રેશનને કારણે પોતાને એક રૂમમાં બંધ કરી રાખતો હતો. મળતી માહિતી મુજબ તે વ્યક્તિ પહેલા કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરતો હતો. તેના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને 20 વર્ષ પહેલા તેના મોટા ભાઈએ આત્મહત્યા કરી હતી. આ કારણે તેની માનસિક સ્થિતિ સારી નહોતી.

સેક્ટર 24ના જુઈનગરની ઘરકુલ સોસાયટીમાં રહેતા 55 વર્ષીય અનુપ કુમાર નાયર માનસિક હતાશા, એકલતા અને કૌટુંબિક દુર્ઘટનાઓથી એટલા તૂટી ગયા હતા કે તે બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા હતા. તે ફક્ત ઓનલાઈન ખોરાક મંગાવીને જીવતા હતા. તેના ફ્લેટમાં કોઈ ફર્નિચર નહોતું અને આખું ઘર ગંદુ દેખાતું હતું. તેથી, ઘરમાં બધે કચરાના ઢગલા હતા.

એક યુવકને નાયરના ફ્લેટની સ્થિતિ વિશે માહિતી મળી, તેણે સીલ ઓર્ગેનાઈઝેશનનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલાની માહિતી આપી. આ પછી જ્યારે સીલ ઓર્ગેનાઈઝેશનના કાર્યકરો તેના ફ્લેટ પર પહોંચ્યા ત્યારે તેમણે નાયરને ગંભીર હાલતમાં જોયો. તેમના પગમાં ગંભીર ચેપ લાગ્યો હતો, જેની તાત્કાલિક સારવાર કરવામાં આવી.

સમાજના પ્રમુખ વિજય શિબેએ જણાવ્યું હતું કે નાયર ભાગ્યે જ દરવાજો ખોલતા હતા અને કચરો પણ બહાર કાઢતા નહોતા. સ્થાનિક લોકો તેમને સમય સમય પર મદદ કરતા હતા, જેમાં નાણાકીય સહાય પણ શામેલ હતી. અમે તેમને ઘણી વખત મદદ પણ કરી હતી.

હાલમાં, નાયર પનવેલના સીલ આશ્રમમાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સંસ્થા અનુસાર તેમના સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે. નાયરે સ્વીકાર્યું છે કે તેમના માતાપિતા અને ભાઈના ગયા પછી એકલતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓએ તેમને આ કરવા માટે મજબૂર કર્યા હતા. સીલ સંસ્થાના પ્રયાસોથી તેમની શારીરિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્યને સ્થિર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

(9:37 PM IST)