<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વરસાદે હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જીઃ ૩૭ લોકોના મોતઃ રૂ.૪૦૦ કરોડનું નુકસાન

રાજ્‍યભરમાં, ૨૫૦થી વધુ રસ્‍તાઓ બ્‍લોક થઇ ગયા છે, ૫૦૦ થી વધુ વીજળી ટ્રાન્‍સફોર્મર સર્વિસ બંધ છે અને પીવાના પાણીની લગભગ ૭૦૦ યોજનાઓને અસર થઈ છે

 

મંડી, તા.૪: છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય રાજ્‍ય હિમાચલ પ્રદેશમાં પૂરને કારણે તારાજી સર્જાઈ છે. આ વર્ષે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે અને કિનારા તોડીને વહી રહી છે, આ ઉપરાંત ઠેરઠેર ભૂસ્‍ખલનને કારણે પણ ભારે નુકશાન થયું છે. અહેવાલ મુજબ રાજ્‍યમાં ૩૭ લોકોના મોત થયા છે અને રાજ્‍યમાં વ્‍યાપક વિનાશ સર્જાયો છે. હિમાચલ પ્રદેશ સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીના જણાવ્‍યા અનુસાર, ૪૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને નુકસાન થયું છે, અને બચાવ કામગીરી ચાલી રહી છે, મળત્‍યુઆંક વધવાની શકયતા છે.

ભારતીય હવામાન વિભાગ એ ૭ જુલાઈ સુધી રાજ્‍યમાં વરસાદની આગાહી કરી છે. કેટલાક પ્રદેશોમાં ભારે વરસાદ પાડવાની શકયતા છે. ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાને સૌથી વધુ અસર પહોંચી છે. મંડીના થુનાગ સબડિવિઝનમાં વિનાશ સર્જાયો છે, જ્‍યાં રોડ-રસ્‍તા ધોવાઈ ગયા છે, અને વીજળી અને પાણીના પુરવઠા જેવી જીવનજ રૂરીયાત સર્વિસ ખોરવાઈ ગઈ છે.

સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્‍યું હતું કે, અમારી સિસ્‍ટમમાં નોંધાયેલા મુજબ અત્‍યાર સુધીમાં રૂ.૪૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. પરંતુ વાસ્‍તવિક નુકસાન ઘણું વધારે હોવાની શકયતા છે. હાલમાં અમારું પ્રાથમિક ધ્‍યાન સર્ચ, રેસ્‍કયુ અને રિસ્‍ટોરેશન પર છે.

અધિકારીઓને જણાવ્‍યા મુજબ મંડીમાં એક ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્‍યું છે. રાજ્‍યમાં મળત્‍યુ આંક વધે એવી શકયતા છે, કેમ કે માત્ર મંડીમાં જ ૪૦ લોકો ગુમ થયાના અહેવાલ છે. હજારો લોકોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે. અસરગ્રસ્‍તો માટે રાહત શિબિરો શરુ કરવામાં આવી છે. અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ભારતીય વાયુસેના દ્વારા હવાઇ માર્ગે ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યા છે.

સતત ધોધમાર વરસાદને કારણે શિમલામાં પણ સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. શાળાઓને ભારે અસર થઈ છે, વર્ગખંડો પાણીમાં ડૂબી ગયા છે.

રાજ્‍યભરમાં, ૨૫૦ થી વધુ રસ્‍તાઓ બ્‍લોક થઇ ગયા છે, ૫૦૦ થી વધુ વીજળી ટ્રાન્‍સફોર્મર સર્વિસ બંધ છે, અને પીવાના પાણીની લગભગ ૭૦૦ યોજનાઓને અસર થઈ છે. સ્‍થાનિક વહીવટીતંત્ર, પોલીસ, હોમગાર્ડ્‍સ, SDRF અને NDRF સહિત કેન્‍દ્રીય દળોની ટીમો સાથે મળીને સર્ચ એન્‍ડ રેસ્‍કયુ ઓપરેશન ચલાવી રહી છે. આગામી દિવસોમાં રાજ્‍યમાં વધુ વરસાદ પડવાની શકયતા હોવાથી અધિકારીઓ હાઈ એલર્ટ પર છે અને પરિસ્‍થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. (રર.૪)

(11:24 AM IST)