<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનાના વળતર અંગે મૃતકોના પરિવારોએ લગાવ્યા આરોપો એર ઇન્ડિયાએ નકાર્યા

ઉડ્ડયન કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી કે, ફોર્મ ઈ-મેલ દ્વારા અથવા રૂબરૂમાં સબમિટ કરી શકાય છે. આમંત્રણ વિના ઘરે કોઈ મુલાકાત લેવામાં આવશે નહીં. પ્રશ્નાવલીનો હેતુ ફક્ત કૌટુંબિક સંબંધોની પુષ્ટિ કરવાનો હતો

એર ઇન્ડિયાએ અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેસમાં પીડિતોને વળતર આપવાની પ્રક્રિયા સંબંધિત તાજેતરના આરોપોને ફગાવી દીધા છે. એક નિવેદન આપતાં કહ્યું છે કે, વળતર અંગે તેમની સામે કરવામાં આવી રહેલા આરોપો પાયાવિહોણા છે. તેમના દ્વારા આપવામાં આવેલી પ્રશ્નાવલીનો હેતુ ફક્ત કૌટુંબિક સંબંધોની પુષ્ટિ કરવાનો હતો, જેથી વળતરની રકમ યોગ્ય રીતે વહેંચી શકાય અને ચુકવણી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.

એર ઇન્ડિયાએ વધુમાં કહ્યું કે, આ કેટલીક ઔપચારિક પ્રક્રિયાઓ છે, જેનું પાલન કરવાની જરૂર છે. પરંતુ અમે પીડિત પરિવારોને દરેક શક્ય રીતે મદદ કરવામાં રોકાયેલા છીએ. ઉડ્ડયન કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી કે, ફોર્મ ઈ-મેલ દ્વારા અથવા રૂબરૂમાં સબમિટ કરી શકાય છે. આમંત્રણ વિના ઘરે કોઈ મુલાકાત લેવામાં આવશે નહીં. અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જે પીડિતોના પરિવારોને અંતિમ સંસ્કાર, રહેવાની વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થામાં મદદ કરી રહી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 47 પરિવારોને એડવાન્સ ચુકવણી કરવામાં આવી છે અને 55 પરિવારોને ચુકવણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

40થી વધુ પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી યુકે સ્થિત કાનૂની પેઢી સ્ટુઅર્ટ્સનો દાવો છે કે એર ઇન્ડિયા દ્વારા આવી પ્રશ્નાવલીઓ મોકલવામાં આવી છે જે પરિવારોને કાનૂની રીતે નાણાકીય વિગતો આપવા માટે દબાણ કરી રહી છે.

સ્ટુઅર્ટ્સના ભાગીદાર પીટર નિનાને એર ઇન્ડિયાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, આવી પ્રશ્નાવલીઓ પીડિત પરિવારોને મોકલવામાં આવી છે જેમાં કોઈ પણ સમજૂતી વિના કાનૂની શબ્દોનો સમાવેશ થાય છે. જેમ કે - આર્થિક નિર્ભરતા અથવા બચી ગયેલા લાભાર્થી વગેરે. પરિવાર પાસેથી કાનૂની સ્વરૂપમાં મહત્વપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી, જેમાં કાનૂની વ્યાખ્યાઓવાળા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં આ માહિતીનો ઉપયોગ તેમની વિરુદ્ધ થઈ શકે છે. તેમને આનાથી શરમ આવવી જોઈએ, આપણે બધા આનાથી ચોંકી ગયા છીએ.

વકીલોનો દાવો છે કે, પીડિત પરિવારોને ભીષણ ગરમીમાં અને કોઈપણ કાનૂની પરામર્શ વિના ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યું હતું. ફોર્મમાં પૂછવામાં આવ્યું હતું કે શું વ્યક્તિ મૃતક પર આર્થિક રીતે નિર્ભર હતો? આ એક એવો પ્રશ્ન છે જેના પર વકીલો કહે છે કે તે અંતિમ વળતરને અસર કરી શકે છે.

૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-૧૭૧ ક્રેશ થઈ ગઈ હતી. આ ફ્લાઇટમાં એક મુસાફર સિવાય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ ટાટા ગ્રુપે જાહેરાત કરી હતી કે તે દરેક મૃતકના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપશે. આ સાથે, ૫૦૦ કરોડ રૂપિયાનું ટ્રસ્ટ સ્થાપવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પુનર્વસન જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

 

(1:15 PM IST)