<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

અમેરિકામાં એનઆરઆઇઓને રહેવાનું મોંઘું પડશેઃ નાણાં મોકલવા માટે ૧ ટકો ટૅકસ ચૂકવવો પડશે

રિયલ એસ્ટેટ, પરિવારોને મોકલવામાં આવતી રકમ અને બીજી આર્થિક ગતિવિધિઓ પર અસર પડશેઃ અમેરિકન સંસદનાં બન્ને ગૃહોમાં પાસ થયું બિગ બ્યુટિફૂલ બિલ

વોશીંગ્ટન તા.૫: અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું બિગ બ્યુટિફુલ બિલ ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં ૨૧૮-૨૧૪ના માર્જિનથી પસાર થયું હતું જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝ એમ બેઉ ગૃહોમાંથી પસાર થયા બાદ આ બિલ હવે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે.

આ બિલ પર મતદાન વખતે બે રિપબ્લિકન સંસદસભ્યોએ પાર્ટીલાઇનથી ભટકીને ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હતું. જોકે બન્ને ગૃહોમાં આ બિલ પસાર થવા પર ડોનલ્ડ ટ્રમ્પે ખુશી વ્યકત કરતાં કહ્યું હતું કે 'મેં લાખો પરિવારોને ડેથ ટૅકસમાંથી મુકત કર્યા છે. અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસર પર આ બિલથી સારી ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં.'

ટ્રમ્પ માટે એક મહત્ત્વપૂર્ણ વિજય સમાન છે જે તેમની ઇમિગ્રેશન કાર્યવાહીને ભંડોળ પૂરું પાડશે, ૨૦૧૭ના કરકાપને કાયમી બનાવશે અને ૨૦૨૪ના તેમના પ્રચાર દરમ્યાન તેમણે વચન આપેલા નવા કરમાં છૂટ આપશે. કૉન્ગ્રેસના દરેક ડેમોક્રૅટે એની વિરુદ્ધ મતદાન કર્યું અને બિલને શ્રીમંતોને ભેટ તરીકે ગણાવ્યું જેનાથી લાખો લોકો વીમા વિના રહી જશે.

૯૦૦ પાનાંનું આ બિલ અમેરિકનો માટે જેટલું મહત્ત્વપૂર્ણ છે એટલું જ ત્યાં રહેતા ભારતીયો અને નૉન-રેસિડન્ટ ઇન્ડિયનોને પણ અસર કરનારું છે. ટ્રમ્પ સરકારે અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવતાં નાણાં પર પાંચ ટકા ટૅકસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને હવે ઘટાડીને એક ટકો કરી દેવામાં આવ્યો છે. જોકે બૅન્ક-ટ્રાન્સફર અને કાર્ડ દ્વારા મોકલવામાં આવતાં નાણાં પર ટૅકસ નહીં લાગે. જે ભારતીયો ઘણી મોટી રકમ ભારત મોકલતા હતા તેમણે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું પડશે. આનાથી રિયલ એસ્ટેટ, પરિવારોને મોકલવામાં આવતી રકમ અને બીજી આર્થિક ગતિવિધિઓ પર અસર પડશે. ફય્ત્ પાસે ભારતમાં પ્રૉપર્ટી હોય અને એનું ભાડું મળતું હોય તો એના પર નવો ટૅકસ નહીં લાગે.

અમેરિકામાં કાનૂની રીતે રહેવા માટે હવે વધુ નાણાં ખર્ચવાં પડશે. રાજ્યાશ્રય માટે અરજી કરવા માટે ૧૦૦ ડોલર ચૂકવવા પડશે. વર્ક-પરમિટ માટે ૫૫૦ ડૉલર આપવા પડશે. ગેરકાયદે અમેરિકાની સરહદમાં પ્રવેશ કરવા બદલ ૫૦૦૦ ડૉલરનો દંડ થશે

(12:35 PM IST)