<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પોરબંદરમાં વિકાસ યાત્રા : રેલવે કનેક્ટિવિટીથી બંદર પુનરુત્થાન અને કરોડોના વિકાસકાર્યોના ઇ-ખાતમુહૂર્ત સાથે 'મહાત્મા ગાંધીની ભૂમિ'ને ચમકાવવાનો સંકલ્પ!

પોરબંદરના સર્વાંગી વિકાસ માટે જનસહયોગ અનિવાર્ય, માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ આરોગ્ય, શિક્ષણ અને તંદુરસ્તી જેવા માનવીય વિકાસ પર ભાર : સાંસ્કૃતિક વન અને કૃષિ કલ્યાણના કાર્યોથી જિલ્લાને વિશ્વના નકશા પર સ્થાન અપાવવાની નેમ

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તથા શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રેલવે સ્ટેશનની મુલાકાત લઈ કનેક્ટિવિટીની સમીક્ષા કરી અને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરીને જિલ્લાના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ વ્યક્ત કર્યો.
પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત: રેલવે કનેક્ટિવિટીના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા
પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ પોરબંદરમાં રેલ કનેક્ટિવિટી વધારવા માટેની શક્યતાઓ તેમજ હાલના અવરોધક મુદ્દાઓ અંગે રેલવે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી. આ ચર્ચામાં પોરબંદર રેલવે સ્ટેશનથી પોર્ટ સુધી સીધી રેલ કનેક્ટિવિટીની જરૂરિયાત, તેમજ લાંબા અંતરની ટ્રેનોના વોશિંગ-મેન્ટેન્સ માટે રાણાવાવ ખાતે કોચિંગ ડેપો (યાર્ડ) સ્થાપવાની યોજના, પોરબંદરથી રાજકોટ ત્રણ પેરમાં ટ્રેનો શરૂ કરવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, એડીઆરએમ રેલ્વે ડિવિઝન ભાવનગર હિમાંશુ શર્મા, સિનિયર ડીસીએમ રેલ્વે ડિવિઝન ભાવનગર અતુલ ત્રિપાઠી, ડિવિઝન એન્જિનિયર ભાવનગર નમીત જૈન, અગ્રણી સર્વ અશોકભાઈ મોઢા, સરજુભાઇ કારીયા સહિતના અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૨.૮૦ કરોડના વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત: પોરબંદરને નવી દિશામાં આગળ વધારવાનો સંકલ્પ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત) હસ્તકના રૂપિયા ૧૨૮૦.૪૮ લાખના કુલ ખર્ચે હાથ ધરાનારી કામગીરીઓના ઇ-ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પોરબંદર શહેરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે સંસદમાં મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરને રિપ્રેઝેન્ટ કરતા તેમને ગર્વ થાય છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર જિલ્લામાં હાલ ૧૫૦૦ થી ૧૭૦૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, નવી ઉદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ માત્ર બાંધકામ નહીં પણ માનવીય વિકાસ પણ છે — જેમ કે આરોગ્ય, શિક્ષણ અને તંદુરસ્તી. તેઓએ સ્વસ્થ નાગરિકને સ્વસ્થ સમાજના આધારસ્તંભ ગણાવ્યા અને સાઇકલિંગના લાભો સમજાવ્યા. તેઓએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ સંસદમાં સાઇકલ લઈ જતા હતા અને કહ્યું કે જેમ યોગ ફેશન બન્યું છે, તેમ સાઇકલિંગને પણ ફેશન બનાવવું પડશે.
તેમણે દેશભરમાં બધા તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોટ સ્ટેડિયમ અને દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનું મોટું સ્ટેડિયમ બને જેથી દેશનો યુવાન ખેલતો થાય અને ખીલતો થાય તે અગત્યનું છે તેમ જણાવ્યું હતું. તેમણે પોરબંદર શહેરમાં રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય અને પહેલાની જેમ પોરબંદર બંદર પણ ધમધમતું થાય તે દિશામાં ચાલી રહેલા કામ અંગે પણ માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તમારું કામ મત આપી જન પ્રતિનિધિ ચૂંટવાનું હતું તે તમે કર્યું છે, પોરબંદરના વિકાસ અને લોક સુખાકારી માટે હવે અમે કામ કરીશું. સાથે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એક સિક્કાની બે બાજુ એટલે હક્ક અને ફરજ છે, આપણી ફરજો આપણે નિભાવવી જ પડશે જો તેમાં આપણે પાછળ નહીં પડીશું તો દેશ અને દુનિયામાં આપણે પોરબંદરને ચમકાવી દેશું.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને સાંસ્કૃતિક વનની સ્થાપના
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બજાર ભાવ કરતા વધારે એટલે રૂ. ૧૭૦૦ના દરે મગ ખરીદ કરવામાં આવી રહી છે, જ્યારે તેનો બજાર ભાવ આશરે રૂ. ૧૨૦૦ છે. ખેડૂતોને પાકનો ન્યાયસંગત ભાવ મળવાથી તેઓ ખુશ છે અને તેમને સીધા ખાતામાં ચૂકવણી કરવામાં આવી રહી છે.”
તેમણે રાજ્યકક્ષાનું સાંસ્કૃતિક વન પોરબંદરમાં બનશે અને તેનું ઉદ્ઘાટન ૨૦૨૬ માં થશે તે અંગે પણ લોકોને માહિતીગાર કરીને લાગણીવશ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, “જિલ્લાના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં કામોની ગતિ જળવાય તે જરૂરી છે. પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં થનાર વિકાસ કાર્યો અંગે લોકોને માહિતીગાર કર્યા હતા અને કહ્યું હતું કે પોરબંદરને વિશ્વના નકશા પર સ્થાન મળે તે આપણા સામૂહિક પ્રયાસો અને સહકારથી જ શક્ય બનશે.”
કાર્યક્રમના અંતે, હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને સાઇકલ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોના હસ્તે માર્ગ અને મકાન વિભાગના રૂ. ૧૨૮૦.૪૮ લાખના વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પ્રમુખ લીરીબેન ખુટી, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, રાજકોટ જિલ્લાના ભાજપ અધ્યક્ષ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, અધિક કલેકટર જે.બી વદર, અગ્રણી સર્વ ભરતભાઈ પરમાર, અશોકભાઈ મોઢા સહિતના અગ્રણીઓ અને લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:55 PM IST)