તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Saturday, 5th July 2025
પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ગ્રામીણ જનસંપર્ક યાત્રા : ખેડૂતો અને નાગરિકોના પ્રશ્નો સાંભળી, 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં માર્ગદર્શન
પોરબંદર જિલ્લાના ચૌટા, બાલોચ અને રાણાકંડોરણા ગામોમાં ખેડૂતો, લોક સેવકો અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને આરોગ્ય, પાણી, શાળા, રસ્તા અને ખેતીની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી

પરેશ પારેખ દ્વારા, પોરબંદર, : આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ લોકોને સીધા મળીને તેમના પ્રશ્નો તથા સ્થાનિક સમસ્યાઓની માહિતી મેળવી અને તેનો તાત્કાલિક નિકાલ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ કુતિયાણા તાલુકાના ટેકાના ભાવે જણસ ખરીદી કેન્દ્ર ચૌટા તથા બાલોચ ગામો અને રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક ખેડૂતો, લોક સેવકો અને અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ મુદ્દે વાતચીત કરી હતી. તેમ જ ગ્રામજનોની આરોગ્ય, પાણી પુરવઠા, શાળા સુવિધા, રસ્તા અને ખેતી બાબતો અંગેની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે "રસ્તે જતા અવારનવાર એવું લાગતું હતું કે માર્ગમાં આવેલા ગામોની મુલાકાત લઈને સ્થાનિક લોકોની હકીકતોને પારખીશું અને તેમની રજૂઆતોને સીધી રીતે સાંભળીશું – આજ વિચારને હકીકતમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો છે." અને મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં સંકલ્પ સાકાર થાય તે દિશામાં કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગામોની મુલાકાત દરમિયાન પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા, રાણાવાવ તાલુકા પ્રમુખ મંજુબેન બાપોદરા, જિલ્લા પંચાયત સભ્ય ગોપાલભાઈ કોઠારી, જયેશભાઈ ભૂતિયા, પ્રદીપભાઈ ખીમાણી, લીલાભાઇ રાવલીયા, ભરતભાઈ ભેડા, ભરતભાઈ પરમાર, ભરતભાઈ ઓડેદરા, નારણભાઈ વાઢિયા સહિતના લોક પ્રતિનિધિઓ અને ખેડૂતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
