News of Monday, 7th July 2025
પોલીસ કોન્સ્ટેબલને ઘરે બેઠા મળી ગયો ૨૮ લાખ પગાર
૧૨ વર્ષથી નથી ગયો ડ્યૂટી પર...૧૨ વર્ષ સુધી સરકાર ઉંઘતી રહી-મધ્યપ્રદેશની ઘટના

વિદિશા તા.૭: મધ્યપ્રદેશ પોલીસમાં એક ચૌંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે ૧૨ વર્ષ ડ્યૂટી કર્યા વગર ૨૮ લાખનો પગાર લીધો છે. આ કિસ્સો વિદિશા જીલ્લાના રહેવાસી એક પોલીસ કર્મચારીનો છે, જેની ૨૦૧૧માં મધ્યપ્રદેશ પોલીસે ભરતી કરી હતી.
ભરતી પ્રક્રિયા બાદ તેને ભોપાલ પોલીસ લાઈનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું અને પછી સાગર ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે ટ્રેનિંગ સ્થળ પર પહોંચવાની જગ્યાએ ચુપચાપ પોતાના ઘરે વિદિશા આવી ગયો હતો. તેણે ન તો કોઈ અધિકારીને જાણ કરી અને ન તો રજા માટે અરજી કરી, અને તેની સર્વિસ ફાઈલ સ્પીડ પોસ્ટ દ્વારા ભોપાલ મોકલી દીધી. ફાઈલ ત્યા પહોંચી ગઈ અને કોઈ તપાસ કર્યા વગર તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.
એ પછી ન તો ટ્રેનિંગ સેન્ટરે તેની ગેરહાજરીની સૂચના આપી, અને ન તો ભોપાલ પોલીસ લાઈનમાં કોઈએ તેની ગેરહાજરીનું ધ્યાન દોર્યું. આ રીતે તે દર મહિને પગાર લેતો રહ્યો અને ક્યારેય કોઈ ડ્યૂટી પર હાજર ન રહ્યો. નવાઈની વાત એ છે કે, ૧૨ વર્ષ સુધી કોઈ ઓફિસર આ છેતરપિંડીને પકડીન શક્યો.
આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે ૨૦૨૩માં ૨૦૧૧ની બેચનો પગાર ગ્રેડ પેની સમીક્ષા કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ આ કોન્સ્ટેબલની કોઈ ફાઈલ કે સેવાનો રેકોર્ડ ન મળ્યો. ન કોઈ કેસ, ન કોઈ ટ્રાન્સફર, ન ક્યાંય હાજરી. જ્યારે તેને બોલાવ્યો તો તેણે દાવો કર્યો કે, હું માનસિક બીમારીની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો અને તેના કારણે હું ડ્યૂટી પર ન જઈ શક્યો. આ સાથે તે કેટલાક મેડિકલ દસ્તાવેજ પણ સાથે લાવ્યો હતો.
હાલમાં આ કૌભાંડની તપાસ એસીપી અંકિતા ખાટરકરને સોંપવામાં આવી છે. ટીટી નગર હાલમાં કોન્સ્ટેબલને ભોપાલ પોલીસ લાઈનમાં રાખવામાં આવ્યો છે અને તેની પાસેથી ૧.૫ લાખ રુપિયા વસૂલ્યા છે, બાકીની રકમ બીજા પગારમાંથી વસુલ કરવામાં આવશે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
